મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોના આતંકના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે ગત તા.૧૫/૧૦/૨૦૨૨ના રોજ રસ્તા પર પડેલ લાકડા સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી. જેમાં મુકેશભાઇ નામનાં યુવકને એક ઈસમ દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મેસરીયા ગામની સીમમાં વળથાળા તળાવના રસ્તે કનાભાઇ મોહનભાઇ મકવાણા નામના શખ્સ દ્વારા રસ્તા ઉપર જ લાકડાનો ઢગલો કરવામાં આવ્યો હતો. તે જ સમયે મુકેશભાઇ કેસાભાઇ મેર અને સંજય ઉર્ફે દલો ત્યાંથી પસાર થતા તેઓએ કાનાભાઇને લાકડાનો ઢગલો રસ્તામાંથી લઇ લેવાનું કહેતા આરોપી ઉશ્કેરાયો હતો અને ગાળો બોલી લાકડાના ઢગલામાંથી એક ધોકો લઇ તેના વડે મુકેશભાઇને જમણા પગના ઢીંચણમાં માર્યો હતો. જેના કારણે મુકેશભાઇ ઈજાગ્રસ્ત થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.