અજાણ્યો રીક્ષા ચાલક તથા મુસાફરના સ્વાંગમાં બેસેલા શખ્સે ખેત મજૂરી કરતા વૃદ્ધને લૂંટી લીધા
મોરબી: રીક્ષામાં મુસાફરોને બેસાડી તેમનું ધ્યાન ચૂકવી ખિસ્સા હળવા કરવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આવા જ એક બનાવમાં મોરબીના વાઘપર ગામે વાડીમાં ખેત મજૂરી કરતા વૃદ્ધને માળીયા ફાટક ચાર રસ્તાથી બેસાડી વીસી ફાટક સુધીમાં ખેત શ્રમિક વૃદ્ધના પેન્ટના ખિસ્સામાંથી ૪૫ હજાર રૂપિયા સેરવી લેવાયા હતા. ત્યારે ચોરીના આ બનાવમાં વૃદ્ધ દ્વારા સીએનજી રીક્ષા ચાલક તથા મુસાફરના સ્વાંગમાં સાથે બેસેલા શખ્સ સહીત બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડી પાડવા અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વાઘપર ગામે મનસુખભાઇ રાંકજાની વાડીમાં પરિવાર સાથે ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની જામસિહ મેથુસિહ બબરીયા ઉવ.૬૦ ગત તા.૨૬/૦૪ ના રોજ બપોરના અરસામાં લીલા કલરની પિળા વુડવાળી તેમજ એપલના નિશાન વાળી સી.એન.જી. રિક્ષામાં જતા હોય ત્યારે મોરબીના માળીયા ફાટકથી વીસી ફાટક સુધીમાં મુસાફરના સ્વાંગમાં સાથે બેસેલા શખ્સે ખેત શ્રમિક વૃદ્ધનુ ધ્યાન ચૂકવી તેમના પેન્ટના ખિસ્સામાં રહેલા ૪૫,૦૦૦ રોકડા સેરવી લીધા હતા. ખેત શ્રમિક વૃદ્ધ જયારે રિક્ષામાંથી ઉતાર્યા બાદ તેમને ખબર પડી કે તેના ખિસ્સામાંથી રોકડની ચોરી થઇ છે. બનાવ બાદ ખેત શ્રમિક દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં લીલા કલરની પિળા વુડવાળી તેમજ એપલના નિશાન વાળી સી.એન.જી. રિક્ષા ચાલક તથા મુસાફરના સ્વાંગમાં સાથે બેસેલ અન્ય એક ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે ખેત શ્રમિક વૃદ્ધની ફરિયાદના આધારે લૂંટારા રીક્ષા ગેંગને પકડવા આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.