મોરબીમાં માર્ગ અકસ્માતમા વધુ એક યુવકની જિંદગી હોમાઈ છે. જેમાં મોરબીનાં રાજપરથી નસીતપર તરફ જવાના રોડ ઉપર પુરપાટ ઝડપે જતી કારે સામેથી આવતી એક્ટિવાને હડફેટે લેતા એક્ટિવ ચાલક યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં રાજપર ગામ કાકા ઓઇલ મીલની સામે કિશન પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ જામનગરના રમેશભાઇ બાબુભાઇ ગરચરનો ભત્રીજો ભાવીનભાઇ જીવાભાઇ ગરચર (રહે. રાજપર, કિશનપાર્ક તા.જી.મોરબી) ગત તા.૦૮/૧૧/૨૦૨૩ ના રાત્રીના સમયે તેની નંબર વગરની નવી એક્ટીવા લઈ મોરબી તાલુકાના રાજપર થી નસીતપર તરફ જવાના રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે GJ-36-B-5655 ફોર વ્હીલ કારના ચાલકે પોતાના હવાલા વાળી કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી લાવી રાજપર ગામથી નસીપર ગામ તરફ તળાવની સામે રોડ ઉપર ભાવીનભાઇની નંબર વગરની નવી એક્ટીવા સાથે સામેથી અથાડી એક્સીડન્ટ કરતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ સારવાર મોરબી ક્રિષ્ના હોસ્પીટલ બાદ વધુ સારવાર રાજકોટ સિનર્જી હોસ્પીટલ ખાતે દાખલ કરેલ અને સારવાર દરમ્યાન તેનું ગત તા.૧૦/૧૧/૨૦૨૩ ના રોજ મોત નિપજતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.