મોરબી જિલ્લામાં આજે અપમૃત્યુના ચાર બનાવો જુદા જુદા પોલીસ મથકે નોંધાયા છે જેમાં ગળેફાંસો, ઝેરી દવા અને હાર્ટ એટેકને લઈને યુવાન, યુવતી, પરિણીતા અને આધેડ નું મોત થયુ હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
મોરબી શહેરના કુલીનગર-૧ વિસ્તારમાં રહેતા સંદીપ બટુકભાઇ લાઘણોજા નામના 29 વર્ષીય યુવાને ગત તા. 30 ના રોજ પોતાના ઘરે અકળ કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેમા તેનું મોત નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસને અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના વધુ એક કેસની જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના લાલપર ફેમશ સીરામીકમાં રહેતા
મુનીલાલસિંહ સત્યનારાયણસિંહ રાજપુત નામના 52 વર્ષીય આધેડને ગત તા.૩૦/૦૧/૨૦૨૨ ના રોજ અચાનક છાતી માં દુખાવો ઉપડ્યો હતો. જેને લઈને છાતીમા દુખાવો થતા તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.
આ ઉપરાંત વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતી લીલીબેન ગોરધનભાઇ સાકરીયા નામની ૧૮ વર્ષીય યુવતીએ ગત તા.29ના રોજ મેસરીયા ગામે કોઇ પણ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેની જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. જેને લઈને વાંકાનેર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના વધુ એક કેસમાં ટંકારા તાલુકાના નેકનામ ખાતે પૃથવીસિંહ દરબારની વાડીએ રહેતી રૂખાબેન જીવણભાઇ વસુનીયા નામની 25 વર્ષીય પરિણીતાએ ગત તા-૨૬/૦૧/૨૦૨૨ ના રાત્રીના દશેક વાગ્યાની આસપાસ કોઇ કારણોસર ઝેરી દવા પી જીવતરનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો જેની જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે પડધરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. જ્યાં વધુ સારવારની જરૂર જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં રિફર કરાયા હતા જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.