મહિલાઓ આત્મનિર્ભર બની રાજ્યના વિકાસમાં સક્રિય ફાળો આપે તેવી સરકારની નેમ – મંત્રી દિલીપકુમાર ઠાકોર
મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વને પાંચ વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે મોરબી જિલ્લામાં “નારી ગૌરવ દિવસ” નિમિત્તે એપીએમસી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે મોરબી જિલ્લાની ૩૨૨ મહિલા સ્વસહાય જૂથનો ૩૨૨ લાખ રૂપિયાની લોનની મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નારી શક્તિને વંદન કરી મંત્રી દિલીપકુમાર ઠાકોરે ઉપસ્થિત લાભાર્થીઓ મહિલાઓને સબંધોન કરતા જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર તમામ ક્ષેત્રે, તમામ સમાજનો સર્વાગી વિકાસ થાય તેના માટે કટિબદ્ધ છે. સમાજમાં મહિલાઓનું સ્થાન ઊંચુ લાવવા મહિલા ઉત્થાનની અનેક યોજનાઓ અમલમાં લાવીને ખરેખર નારી શક્તિનું ગૌરવ વધાર્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, મહિલાઓ પગભર અને આત્મનિર્ભર બની રાષ્ટ્ર અને રાજયના વિકાસમાં સક્રિય ફાળો આપે તે માટે મહિલાઓને પ્રાધન્ય આપવામાં આવી રહયું છે. રાજયના વિકાસમાં સહભાગી થાય તે માટે ગ્રામિણ તેમજ શહેરી વિસ્તારની મહિલાઓના ઉત્થાન કરવા સરકાર તે દિશામાં પહેલ કરી રહી છે.
મંત્રી દિલીપ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે સખી મંડળોને મજબુત કરી, સ્વનિર્ભર બનાવી આર્થિક ઉત્થાન થકી રાજ્યના વિકાસમાં મહિલાઓની સહભાગીતા વધે તે માટે હંમેશા કાર્યરત રહી છે. નારી ગૌરવને તેની ઊંચાઇઓ પર લઇ જવા માટે સખી મંડળોને વગર વ્યાજની એક લાખ રૂપિયાની લોન આપીને મહિલાઓના આર્થિક ઉન્નતિ થકી તેઓના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં રાજ્ય સરકાર સફળ રહી છે. એટલું જ નહીં સખી મંડળોએ પણ કોરોના કાળમાં માસ્ક, સેનેટાઇઝર, હેન્ડ ગ્લોઝ વગેરે બનાવીને સાબિત પણ કર્યું છે.
વધુમાં એમ પણ જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા સખી મંડળો, ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર થયેલા ઉત્પાદનના વેચાણ અને માર્કેટીંગની વ્યવસ્થા કરવા હેતુ વિવિધ સ્થાનો પર મેળાઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગરીબ અને શ્રમિક મહિલાઓની પણ વિશેષ કાળજી લઇ તેઓના ઉત્થાન માટે રાજ્ય સરકાર સક્રિય રીતે કામ કરી રહી હોવાનું મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું. આ તકે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતુ કે, રાજય સરકાર નારીશકિતને દૈદીપ્યમાન કરવા માટે અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે. મહિલાઓને સ્થાનિક સ્વરાજયમાં ૫૦ ટકા અનામતો લાભ ઐતિહાસિક નિર્ણય કરી મહિલા શકિતને આવકારી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ મહિલાઓની તમામ પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સરકાર કામ કરી રહી હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મહિલા સંગઠનના પ્રમુખ દિપીકાબેન સરડવાએ મહિલાઓ પંચાયત થી પાર્લામેન્ટ સુધી વિશિષ્ટ ભૂમિકા ભજવી રહી હોવાની જણાવી તમામ ક્ષેત્રે મહિલાઓને આગળ વધારવા રાજય સરકાર મદદ કરી રહી હોવાનું ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ૨૧૨ સ્વસહાય જૂથ એટલે કે ૨૧૨૦ બહેનોને કુલ રૂ. ૨૧૨ લાખ રૂપિયાની લોન મંજુરીના પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ શહેરી વિસ્તારની બહેનો માટે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ ૧૧૦ સ્વસહાય જૂથોની ૧૧૦૦ બહેનોને ૧૧૦ લાખ રૂપીયાની લોનના મંજુરી પત્રો અગ્રણીઓના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ દ્વારા શાબ્દીક સ્વાગત કરી સૌને આવકારાયા હતા અને કાર્યક્રમના અંતે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર ઉપરાંત, પૂર્વ મંત્રી જયંતિ કવાડીયા, મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દિપીકાબેન સરડવા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજી દેથરીયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નીતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કોવીડ-૧૯ની માર્ગદર્શીકા અનુસાર લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.