વૈશ્વિક મહામારી કોરોના સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહી છે ત્યારે મોરબીમાં પણ કોરોનાની બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે તો ઓક્સીજનના અભાવે કેટલાય શ્વાસ અટકી પડ્યા છે ઇન્જેક્શન માટે સગાઓ લાઈનમાં ઉભા લાચારી અનુભવતા હોય છે ત્યારે કોરોના જેવી મહામારીમાં વ્યક્તિનું મનોબળ અને હિમત દરેક દવાની ગરજ સારે છે તે વાતને મોરબીના એક ૧૦૩ વર્ષનાં વૃદ્ધે સિદ્ધ કરી બતાવી છે
મોરબીના આમરણ ગામના વતની જીવરાજભાઈ પરબતભાઈ ગડારા કે જેઓ ૧૦૩ વર્ષની ઉમરના હોય જે કોરોના સંક્રમિત થયા હતા તાવ અને ગળામાં દુખાવાને પગલે રેપીડ ટેસ્ટ કરાવ્યો હોય જેમાં તેઓ કોરોના પોઝીટીવ હોવાનું માલૂમ પડતા ફેમીલી ડોક્ટર પાસે સારવાર શરુ કરાવી હતી હોમ આઈસોલેશનમાં રહીને તેમને ડોક્ટરના માર્ગદર્શન મુજબ દવાઓ લીધી હતી અને માત્ર આઠ દિવસના ટૂંકાગાળામાં ૧૦૩ વર્ષની ઉમરે તેમને કોરોનાને મ્હાત આપી છે અને હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે ત્યારે ગડારા પરિવાર પણ ખુશ જોવા મળે છે જે પ્રસંગે તેમના પુત્ર અને મોરબી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા જણાવે છે કે તેઓ સેવાભાવી પ્રકૃતિના છે અને હાથ પગ ચાલતા ત્યાં સુધી ગૌશાળામાં તેઓ સેવા આપતા હતા હવે શરીર નાદુરસ્ત હોવાથી તેઓ મોરબી અમારી સાથે આવીને રહે છે. કોરોના પોઝીટીવ થયા છતાં તેઓ હિંમત હાર્યા ના હતા અને સંપૂર્ણ કાળજી રાખી હિમત સાથે કોરોનાનો સામનો કરી કોરોનાને હરાવ્યો છે અને સમાજને પણ પ્રેરણા પૂરી પાડી છે.
કોરોના સંક્રમિત થયેલા જીવરાજભાઈ ગડારાના પત્ની વિજયાબેન ગડારા જણાવે છે કે જીવરાજબાપા કોરોના પોઝીટીવ થયા ત્યારે સંતાનોને થોડી ચિંતા થઇ હતી જોકે જીવરાજભાઈએ હિમત દાખવી હતી જેથી સંતાનોમાં પણ હિમત જોવા મળી હતી અને તેમને આઠ દિવસ કોરોના સામે સંઘર્ષ કરીને કોરોનાને હરાવીને ઝમ્પ્યા હતા કોરોના સંક્રમિત થયા બાદ બે દિવસ બાપાનું ડી ડાઈમર ચિંતાજનક હતું અને લોહી ઘાટું થઇ જતું હતું છતાં બાપાએ હિમત અને ધીરજ સાથે કોરોના સામેનો જંગ જીતી લીધો છે આમ હિમત અને મજબુત મનોબળ હોય તેમજ જીવવાની પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો કોરોના શું કોઈપણ બીમારી વ્યક્તિને હરાવી શકતી નથી તે જીવરાજ બાપાએ સિદ્ધ કરી બતાવ્યું છે કોરોના મહામારીના સમયમાં જયારે હાહાકાર છે અનેક દર્દીઓ કોરોનાના નામથી ભયભીત થઇ જતા હોય છે ત્યારે જીવરાજભાઈ તમામને પ્રેરણા આપી રહ્યા છે અને મજબુત મનોબળ રાખીને કોરોના સામેનો જંગ જીતી શકાય છે તેમ જણાવ્યું હતું