સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ, બે લુખ્ખાતત્વો સામે ફરિયાદ નોંધાઈ
મોરબીમાં ઉછીના રૂપિયા આપવાની ના પાડવા અંગેનો ખાર રાખી અસામાજિક અને લુખ્ખાગીરી કરી સમાજમાં ભયનો માહોલ ફેલાવતા ઇસમે કેબલ કનેક્શનના ધંધાર્થી અને બ્રહ્મસમાજના અગ્રણીના મોબાઇલ ફોનમાં વારંવાર કોલ ઉપર કોલ કરીને માનસીક ત્રાસ આપી તેમની ઓફિસે મોડીરાત્રીના અન્ય ઈસમ સાથે આવ્યો હતો અને બંધ ઓફિસના મુખ્ય દરવાજામાં કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દઈ દરવાજો સળગાવી આશરે ૫૦ હજાર સુધીની નુકસાની કરેલ હતી. ત્યારે આગ ચાંપીનો સમગ્ર બનાવ ઓફિસમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના રવાપર રોડ એચડીએફસી બેંક ચોક ઘનશ્યામ પ્લાઝામાં જીટીપીએલ કેબલ કનેક્શનની ઓફીસ ધરાવતા દિનેશભાઇ જયંતીલાલ પંડ્યા દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જુનેદ ગુલામહુશેન પીલુડીયા રહે.મહેન્દ્રપરા તથા અન્ય એક અજાણ્યા શખ્સ એમ કુલ બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. દિનેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે ગત તા.૦૬/૦૯ના રોજ આરોપી જુનેદે સોમવાર સુધી ઉછીના રૂપિયા ૫૦ હજાર જોઈએ છે તેમ દિનેશભાઇના મોબાઈલમાં ફોન કરી વાત કરેલ હોય ત્યારે દિનેશભાઈએ કહ્યું કે હાલ મારી પાસે પૈસાની સગવડ નથી. જેથી આરોપી જુનેદને સારું નહીં લાગતા વારંવાર દિનેશભાઇના ફોનમાં મોડીરાત્રી સુધી કોલ ઉપર કોલ કરી તેને માનસિક ત્રાસ આપ્યો હતો. ત્યારબાદ મોડીરાત્રીના આરોપી જુનેદ તથા અન્ય એક અજાણ્યો ઈસમ દિનેશભાઈની ઉપરોક્ત ઓફિસે આવી બંધ ઓફિસના દરવાજા ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી દીધી હતી. આ આગ લગાડવાની ઘટનામાં અંદાજે ૨૦ થી ૫૦ હજાર સુધીની નુકસાની થયા અંગેની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.