મોરબી નગરપાલિકાની રફાળેશ્વર ખાતે લેન્ડ ફિલ સાઈટ કામગીરી પેટે ભરવાની રકમ ચુકવવામાં દાંડાઈ કરતા ટ્રસ્ટને મોરબી પાલીકા દ્વારા આખરી નોટીસ ફટકારી રૂપિયા ૧૨.૪૫ લાખની રકમ ચાર દિવસમાં ભરી જવા તાકીદ કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના હસમુખભાઈ સોરીયાને આખરી નોટીસ આપી જણાવ્યું છે કે અગાઉ વર્ષ ૨૦૨૦ ના જુન માસ, જુલાઈ માસ અને ઓક્ટોબર માસ તેમજ ૨૦૨૧ ના સપ્ટેબર માસમાં અનેક વખત નગરપાલિકાની બાકી રકમ ભરી જવા જાણ કરવામાં આવી છે છતાં આજ સુધી આ બાકી રકમ ભરપાઈ કરવામા આવી નથી અને જવાબ પણ આપવામાં આવ્યો નથી. વધુમાં ૩૦-૦૩-૨૦૧૫ ના રોજ નગરપાલિકા અને ટ્રસ્ટ વચ્ચેના કરારની મોટાભાગની શરતોનો ભંગ થયો છે જેમાની શરત નંબર ૫ નો કરારથી લઈ આજ સુધી અમલ ન કરાતા પાલિકાને છેલ્લા ત્રણ વર્ષથી ઓડીટ પેરા ઉપસ્થિત થઇ રહ્યો છે.
હાલ તા. ૦૧-૦૪-૨૦૧૫ થી ૨૮-૦૨-૨૦૨૨ સુધીની માસિક રૂ ૧૫,૦૦૦ લેખે કુલ રૂ ૧૨,૪૫,૦૦૦ ભરવાના થતા હોવાથી આગામી ચાર દિવસમાં ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવે છે.જો રકમ ભરવામાં નહિ આવે તો કાયદેશરની કાર્યવાહી કરવામાં આવશે તેમ નોટિસના અંતમાં જણાવાયું છે.