ઘરમાં સીસીટીવી કેમેરા નાખવા બાબતનો ઝઘડો ઉગ્ર બન્યો
મોરબી : મોરબીમાં ઘરમાં સીસીટીવી કેમેરા નાખવા બાબતનો પરિવારના સભ્યો વચ્ચે એવો ઉગ્ર ઝઘડો થયો હોય એ ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં ઘરમાં સીસીટીવી કેમેરા નાખવા બાબતની માથાકૂટ ઉગ્ર બનતા ઉશ્કેરાયેલી પત્નીએ પુત્રો સાથે મળી પતિને ઢીબી નાખ્યો હતો.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયેશભાઇ મહેન્દ્રભાઇ જોષી ઉ.વ.૪૬ ધંધો.માર્કેટીંગ રહે.સરદારબાગની સામે પુજા હોસ્પીટલની બાજુમા ગ્રીન હીલ્સ એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૩ શનાળા રોડ મોરબીવાળાએ આરોપી તરીકે તેની પત્ની વંદનાબેન જયેશભાઇ જોષી, પુત્ર નીલકંઠ જયેશભાઇ જોષી અને શ્યામસુંદર હરીલાલ શાસ્ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીએ પોતાના ઘરે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા બાબતે આરોપી પત્નીને કહેતા તેણીએ ના પાડી આ આરોપીએ તથા બીજા આરોપીએ ફરીયાદીને જેમફાવે તેમ બોલી ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી આરોપીએ ફરીયાદીને લાકડાના ધોકા વડે જેમફાવે તેમ માર મારી તેમજ અન્ય આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી તમામ આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.