ઝીકિયારી ગામે રહેતા કસ્તુરબહેન સવજીભાઈ ભાટિયા અને સંગીતા બહેન સવજીભાઈ ભાટીયાને તેના જ પુત્ર દેવશી ભાટિયાએ તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખી : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના ઝીકિયારી ગામે ધૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે જેના લીધે મોરબી પંથકમાં ચકચાર મચી જવા પામી છે
આ બનાવની મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના ઝીકિયારી ગામેં રહેતા કસ્તુરબહેન સવજીભાઈ ભાટીયા,સંગીતાબહેન સવજીભાઈ ભાટીયા અને દેવશીભાઈ સવજી ભાઈ ભાટીયા ખેતી કરી ગુજરાન ચલાવતા હતા જેમાં ગત રાત્રીના નવ વાગ્યાની આસપાસ પુત્ર દેવશી સવજીભાઈ ભાટીયા એ ઘર માં માતા કસ્તુરબહેન અને બહેન સંગીતા વચ્ચે રસોઈ બનાવવા બાબતે બોલાચાલી થયા બાદ રસોઈ બનાવી ન હતી જેને લઈને પુત્ર દેવશી સવજી ભાટીયા ઉશ્કેરાઇ ગયો હતો અને માનસિક સંતુલન ખોઈ બેસી અને માતા કસ્તુરબહેન અને બહેન સંગીતા ને ગાળાના ભાગે તીક્ષણ હથિયાર ના ઘા ઝીકી કરપીણ હત્યા કરી હતી.
બનાવની જાણ થતાં મૃતકના ભત્રીજા સહિતના ઝીકિયારી ગામે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા મોડી રાત્રીના મોરબી એસપી એસ આર ઓડેદરાએ, ડીવાયએસપી રાધિકા ભારાઈ,તાલુકા પીએસઆઇ એ એ જાડેજા સહિતનો પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખેસડી પંચનામું કરવા સહિતની કાર્યવાહી કરી હતી.
મૃતકના ભત્રીજા મુકેશભાઈ ભાટિયાની ફરિયાદ પરથી દેવશી સવજીભાઈ ભાટીયા વિરુદ્ધ બેવડી હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ મોરબી તાલુકા પીએસઆઇ એ એ જાડેજા એ હાથ ધરી છે સાથે જ આરોપી દેવશીની પણ મોરબી તાલુકા પોલીસે અટકાયત કરી છે જેને આજે બપોરે બાદ કોવિડ ટેસ્ટ કરાવી વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.બપોરે બાર વાગ્યે મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ આ મામલે પત્રકાર પરિષદ સંબોધી તમામ માહિતી આપશે.