મોરબી જિલ્લામાં મારામારીની ઘટનાઓએ જાણે માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વાંકાનેરમાં રહેતા વૃદ્ધે પોતાની ખેતીની જમીનના ભાગ પાડવાની તથા ખેતીની જમીન પર લોન લઈ દેવાની ના પાડતા ચાર ઈસમો વૃદ્ધ પર લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા લઈ તૂટી પડી આંખમાં મરચાની ભૂકી છાંટી ઢોર માર માર્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં અમરસર ગામ ખાતે રહેતા અને ખેતીકામ કરતા શેરમામદભાઈ સુલેમાનભાઈ બ્લોચ નામના વૃદ્ધે તેના ભાઈને પોતાની ખેતીની જમીનના ભાગ પાડવાની તથા ખેતીની જમીન પર લોન લઈ દેવાની ના પાડતા તેને સારૂ નહિ લાગતા વૃદ્ધ પર મીરમામદભાઈ શેરમામદભાઈ બ્લોચ, નજુરમામદ બ્લોચ, સલમાનભાઈ મીરમામદભાઈ બ્લોચ તથા અંજુમબેન નજુરમામદભાઈ બ્લોચ (રહે-બધા-ગામ-અમરસર તા.વાંકાનેર) નામના ઈસમોએ લોખંડના પાઈપ તથા સેન્ટીંગના લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને વૃદ્ધની આંખમા મરચાની ભુકી છાંટી ઢોર માર માર્યો હતો. તેમજ ફરિયાદી વૃદ્ધને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.