મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગ દ્વારા મસ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં જ ચકચાર મચી જવા પામી છે. અંદાજે ૮૦,૧૫,૪૫૩ રૂપિયાની શિષ્યવૃત્તિ, પ્રવાસી શિક્ષકોની ગ્રાન્ટ સહિતના રૂપિયા શિક્ષક જ પચાવી ગયાનું સામે આવ્યું છે. જે સમગ્ર મામલો ગાંધીનગર કમિશ્નર પ્રાથમિક શિક્ષણ વિભાગ સુધી પહોંચતા કમિશ્નર દ્વારા ફોજદારી ફરિયાદ નોંધાવવા આદેશ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો હસ્તકથી માહીતી પ્રાપ્ત થઈ છે. જ્યારે જવાબદાર અધિકારીઓએ હજુ સ્થાનિક કક્ષાએ તપાસ ચાલુ હોવાના નિવેદનો આપ્યા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વર્ષ 2017થી 2021 દરમિયાન શિક્ષણ શાખામાં બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવતા અંતે પાપનો ઘડો ફૂટ્યો હતો.અને ઓડિટમાં સમગ્ર કાળી કરતૂતો ખુલ્લું પડી હતી. ત્યારે એક શિક્ષક, એક સીઆરસી, શિક્ષકના પત્ની અને ત્રણ ડમી વ્યક્તિ સામે સમગ્ર મામલે આરોપો લગાવવામાં આવ્યા છે. અને તમામ શકમંદો વિરુધ્ધ ગાંધીનગરથી તપાસના આદેશ પણ આપવામા આવ્યાં છે. આદેશને પગલે તપાસ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તત્કાલીન બીઆરસી અને હાલ સીઆરસી તરીકે ફરજ બજાવતા અબ્દુલભાઇ શેરસીયા, શિક્ષક – અરવિંદ પરમારના પત્ની બેલાબેન પરમાર, શિક્ષક – પરમાર અરવિંદભાઈ, ડમી નામે બેંકમાં પૈસા જમા થયેલ તેવા વ્યક્તિ તરીકે બાદી અલ્ફાઝ, બાદી તૌફીક હુસેન અને શેરસીયા મહંમદ હુસેનના નામો ખુલવા પામ્યા છે.
તેમજ ઓડિટ સમયે સમગ્ર મામલો સામે આવતા તપાસ સમિતિ દ્વારા ગાંધીનગર શિક્ષણ વિભાગમાં સમગ્ર રીપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જે કૌભાંડ મામલે મોરબીના જીલ્લા વિકાસ અધિકારી ડી. ડી.જાડેજાનો મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવતા તેમણે હાલ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.