વાંકાનેરના ચંદ્રપુર ખાતે તમે મને બહુ ગમો છો તેમ મોબાઈલમાં મેસેજ મોકલી મહિલાને પરેશાન કરતા શખ્સે ઓનલાઇન દેખાશો તો પતાવી દઈશ અને ચહેરા પર એસિડ ફેકવાની દાટી મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ ભાટીયા સોસાયટીમા રહેતા મેઘનાબેન હિતેશભાઈ કીશનભાઈ ભટ્ટ (ઉ.વ.૩૮) ફેસબુક માધ્યમથી ઓનલાઇન ઓર્ડર મેળવી ડ્રેસ, ચણીયા ચોળીના મટીરીયલ્સની ખરીદી કરી વેચાણ કરવાનો વ્યવસાય કરતા હતા.તેઓ પાસેથી જાવીદ કુરેશી નામના શખ્સે ચણીયા ચોરીનો ઓર્ડર આપ્યો હતો.બાદમાં તેણીનાં મોબાઇલ ફોનમા મેસેજ કરી તમે મને ગમો છો. તેમ કહી પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.ત્યારબાદ આરોપી જાવિદે મહિલાને અને સાહેદ પતિ હિતેશભાઈ કીશનભાઈ ભટ્ટ તથા નણંદ રીનાબેન રવીભાઇ ગોરેચાના મોબાઇલ નંબરમા વોટસપમા મેસેજ કરી તથા અવાર નવાર ફોન કરી ગાળો આપતો હતો અને એસીડ છાંટી ચહેરો બગાડી નાખવાની પણ દાટી આપતો હતો અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઇન પર દેખાશે તો જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપી હતી જેને લઈને મેઘનાબેને આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.