રવાપર રોડ પર એપાર્ટમેન્ટનાં ત્રીજા માળેથી પડી જતાં યુવાનનું સારવાર દરમ્યાન મોત
મુળ દાહોદનાં વતની અને હાલ રવાપર રોડ પર રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા અર્જુનભાઈ માનસિંગભાઈ પટેલ (ઉં.વ.૨૪) નામનો યુવાન ગત તા. ૯ જુલાઈનાં રોજ રાત્રે બારેક વાગ્યે એપાર્ટમેન્ટનાં ત્રીજા માળેથી પડી જતાં તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં રિફર કરતાં ત્યાથી સારવાર અર્થે અમદાવાદ લઈ જતાં તા. ૧૩ જુલાઈનાં રોજ ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
પાનેલી ગામે તળાવમાં ડુબી જતાં આધેડનું મોત
મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા રૂડાભાઈ અરજણભાઈ ટીડાણી (ઉં.વ.૫૦) નામનાં આધેડ ગઈકાલે પાનેલી ગામે આવેલ તળાવમાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વિજયનગરમાં રહેતા યુવાને પેટના દુખાવાથી કંટાળી એસીડ પી લેતાં મોત
મોરબીના રોહીદાસપરા વિજયનગરમાં રહેતો વિનોદભાઈ ઉર્ફે અનીલ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ.૨૫)નામનાં યુવાનને બે ત્રણ માસથી પેટમાં તથા માથામાં દુખાવો થતો હોય જેની દવા આયુષ હોસ્પિટલમાંથી લીધેલ હોય અને તેને પેટમાં દુખાવો બંધ થયેલ ન હોય અને છેલ્લા પંદરેક દિવસથી પેટમાં વધારે દુખાવો થતો હોય તેનાથી કંટાળી ગત તા. ૬નાં રોજ મોરબીની નવી આરટીઓ કચેરી પાછળ પોતાની જાતે એસીડ પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિરપરડા ગામની સીમમાં બોઈલરની રાખથી દાઝી જતા મહિલાનું મોત
મોરબીના વિરપરડા ગામની સીમમાં ઇટાલવા વુડ્સ કારખાનામાં રહીને કામ કરતા મૂળ જામનગરના વતની હંસાબેન મહેશભાઈ જોષી (ઉ.વ.૫૫)નામની મહિલા ગત તા.૧૦ જુલાઈનાં રોજ સવારમાં પાન-માવા વાળી કેન્ટીને માવા લેવા જતા હતા અને વરસાદના લીધે ગ્રાઉન્ડમાં કાદવ હોય જેથી તે ટુંકા રસ્તે જ્યાં કંપનીની બોઈલરની રાખ ઠંડી થવા રાખેલ હોય જે રાખ ઠંડી થઇ ગયેલ હશે તેમ માની હંસાબેન તેના પરથી ટુકા રસ્તેથી જતા બોઈલરની રાખ ઉપરથી ઠંડી હોય પણ નીચે ગરમ હોય જેથી હંસાબેન નીચે બેસી જતા શરીરે દાઝી જતા તેનુ ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.