મોરબીમાં ગઈકાલે બે લોકોના અકાળે મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. જેમાં જુના ઘુટુ રોડ પર એક યુવક ઉપર લોખંડનો ઘોડો પડતા તેનું મોત નીપજ્યું હતું. જયારે બીજા બનાવમાં દારૂના નશામાં ફીનાઇલને દારૂ સમજીને પી જતા આધેડનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીના જુના ઘુટુ રોડ પુનમ ઇન્ડસ્ટ્રીઝના કારખાનાની ઓરડીમા રહેતા મૂળ ઉત્તરપ્રદેશના કેશ બગેદુભાઇ પ્રસાદ નામના યુવક ગત તા.૧૮/૧૦/૨૦૨૩ ના રાતના સમયે મોરબી જુના ઘુટુ રોડ ઉપર આવેલ પુનમ ઇન્ડસ્ટ્રીઝના કારખાનાના ગેટ પાસે જી-જે-૧૨-બી-એકસ-૩૫૧૩ નંબરનાં ટ્રક કન્ટેનરમાં ટાઇલ્સ ગોઠવમા માટેના લોખંડની ફ્રેમના ઘોડા ગોઠવતા હતા. ત્યારે અકસ્માતે લોખંડનો ઘોડો રાકેશ પર પડતા તેના માથના ભાગે ઇજા પહોંચી હતી. જેથી તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
બીજા બનાવમાં, મોરબીના અમી વર્ષા એપાર્ટમેન્ટ નં-૧૦૨ સબ જેલ રોડ ખાતે રહેતા કરીમભાઈ નુરઅલીભાઈ જીવાણીએ પોતાના ઘરે પોતે શરાબના નશામાં ચૂર થઈને ફીનાઇલની બોટલને દારૂની બાટલી સમજી લઈ ફિનાઈલની બાટલી હાથમાં આવી જતા અજાણી માત્રામાં ફાઈનલ પી જતા કરીમભાઇને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને પ્રાથમિક સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.