માળીયા મી.માં અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શ્રીજી કંપનીના સુપરવાઇઝર સાથે ઈસમની થયેલ માથાકૂટમાં ઇસમના ભાઈએ કંપનીની બસ રોકાવી “રમેશ ક્યા ગયો ?” કહી ડ્રાઈવરને માર માર્યો હતો.
મળતી માહિતી અનુસાર, શ્રીજી કંપનીના સુપરવાઇઝર રમેશભાઇ સાથે અનીરૂધ્ધસિંહ જાડેજા (રહે.મોટા દહિસરા તા.માળીયા મી જી.મોરબી) નામના શખ્સને નવલખી બંદર ઉપર ટ્રકમા કોલસો ભરવા બાબતે બોલાચાલી થયેલ હોય જેમાં ઈસમે રમેશભાઇને ઢીકાપાટુનો માર મારી મોઢા ઉપર લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ શ્રીજી કંપનીની બસનો ડ્રાઈવર ઇકબાલભાઇ સલેમાનભાઇ કમોરા(રહે મોરબી વાવડી રોડ કારીયા સોસાયટી અંદર ઉમિયા સોસાયટી મોરબી-૧) શ્રીજી કંપનીના માણસોને મોરબી મુકવા જતા હોય ત્યારે મયુરસિંહ જાડેજા (રહે.મોટા દહિસરા તા.માળીયા મી જી.મોરબી) નામના શખ્સે બસ રોકાવી ગેર કાયદેસર અવરોધ કરી બસમા ચડી જઈ ઇકબાલભાઇને “રમેશ ક્યા ગયો” તેમ કહી ગાળો બોલતા ઇકબાલભાઇએ ગાળો બોલવાની ના પાડતા તેને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ઇકબાલભાઇ સલેમાનભાઇ કમોરાએ માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.