વુમન એમ્પાવરમેન્ટની મિશાલ, જળ પ્રેમી અને પાટીદાર રત્ન એવા જયસુખભાઇ પટેલ તેમના વિશાળ બિઝનેસ એમ્પાયરની સાથે જળ સંચય માટે પણ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. આ તકે ગ્લોબલ કચ્છની ૩૦ થી ૩૫ સભ્યની ટીમે જયસુખભાઇ અને જળ સંચયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એવા ચાચાપર ગામની પણ મુલાકાત લીધી હતી.
મોરબી જીલ્લાનું ચાચાપર ગામ કચ્છના લોકો માટે જળસંચયનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ગયું છે. નપાણીયા કહેવાતા કચ્છ વિસ્તારના ખેડૂતોએ જળસંચય માટે જયસુખભાઇનું વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. ચાચાપર ગામની જેમ કચ્છના ખેડૂતોની સમૃદ્ધિ અને ઉન્નતીમાં વધારો થાય તે માટે જયસુખભાઇએ ગ્લોબલ કચ્છને હર હંમેશ તેમના સહકારની તૈયારી દાખવી હતી. આ તકે જળસંચયના કાર્યો અને રણ સરોવર માટે જયસુખભાઇ દ્વારા કરાતી અથાગ મહેનત બદલ દરેક અગ્રણીઓએ જયસુખભાઇની સરાહના કરી હતી. આ મુલાકાત વેળાએ પ્રવીણ મોઝેક વાળા પ્રવીણભાઈ , ચાચાપર ગામના રમેશભાઈ, મનહરભાઈ ફેફર તથા ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.