Wednesday, June 17, 2026
HomeGujaratવીજલાઈન વળતર મુદ્દે જેતપરના ખેડૂતો લડી લેવાના મૂડમાં:આવતીકાલથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ

વીજલાઈન વળતર મુદ્દે જેતપરના ખેડૂતો લડી લેવાના મૂડમાં:આવતીકાલથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ

મોરબી જિલ્લાના જેતપર ગામમાં હેવી વીજલાઈનના વળતરના પ્રશ્ને ખેડૂતોની લડત હવે નવા તબક્કામાં પ્રવેશી રહી છે. લાંબા સમયથી વળતર અને નુકસાનીના મુદ્દે ન્યાયની માંગ કરી રહેલા ખેડૂતો હવે પ્રતિક ઉપવાસ બાદ આમરણાંત ઉપવાસ પર ઉતરવાની તૈયારીમાં છે. ખેડૂતો દ્વારા આંદોલન માટે તંત્ર પાસે મંજૂરી અને સુરક્ષાની પણ માંગ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેતપર ગામના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી હેવી વીજલાઈન પ્રોજેક્ટના કારણે થતી જમીનની નુકસાની અને અપૂરતા વળતરના મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે. હાલ ગામમાં ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેઠા છે અને તેઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર બનશે. ખેડૂત આગેવાનો કૈલાશગીરી ગુરુમહાદેવગીરી, રતિલાલ શિવલાલભાઈ અમૃતિયા, નેહુલકુમાર ધીરજલાલ અમૃતિયા અને રામજીભાઈ નાનજીભાઈ ભાડજાએ વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે 10 જૂન, 2026ના રોજ પણ કલેક્ટરને લેખિત આવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ટેલિગ્રાફ એક્ટ-1885ની કલમ 10(d) મુજબ જમીન અને પાકની સંપૂર્ણ નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ સામેલ છે. ઉપરાંત કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા 14 જૂન, 2024ના રોજ જાહેર કરાયેલી માર્ગદર્શિકાના પોઈન્ટ નંબર-9 મુજબ સંપૂર્ણ વળતર એકમુષ્ટ ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી વળતર મુદ્દે સ્પષ્ટ નિર્ણય નહીં આવે ત્યાં સુધી સંબંધિત કંપનીને પોલીસ પ્રોટેક્શન આપી ખેડૂતોના ખેતરોમાં બળજબરીપૂર્વક કરવામાં આવતી કામગીરી તાત્કાલિક બંધ કરાવવામાં આવે. ખેડૂતોએ તંત્ર પર ઉદાસીનતાનો આક્ષેપ કરતાં જણાવ્યું છે કે અનેક રજૂઆતો છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે તેઓ લોકશાહી ઢબે શાંતિપૂર્ણ આમરણાંત ઉપવાસનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે. આંદોલનને વધુ બળ ત્યારે મળ્યું છે જ્યારે રાજ્યના મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રતિલાલ અમૃતિયાએ પણ ખેડૂતોની માંગણીઓને સમર્થન આપીને આમરણાંત ઉપવાસમાં જોડાવાની જાહેરાત કરી છે. જેના કારણે આ સમગ્ર મુદ્દો હવે રાજકીય અને સામાજિક સ્તરે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે વળતર અને ન્યાયના પ્રશ્ને તેઓ કોઈપણ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી અને જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. હવે વહીવટી તંત્ર અને સરકાર ખેડૂતોની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!