કિશોરીઓનું હેલ્થ ચેકઅપ, મેન્સ્ટ્રુઅલ હાઇજિન અંગે માર્ગદર્શન અને કીટ વિતરણ કરાયું; દીકરીઓના પોષણ, આરોગ્ય અને સશક્તિકરણ પર ભાર મૂકાયો.
મોરબી: દીકરીઓના સર્વાંગી વિકાસ, આરોગ્ય સુધારણા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત મોરબી જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગના સંયુક્ત ઉપક્રમે વાંકાનેર ઘટક કક્ષાએ ‘કિશોરી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ કિશોરીઓનું વજન, ઊંચાઈ, બોડી માસ ઈન્ડેક્સ (BMI) અને હિમોગ્લોબિન સહિતનું સઘન આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઇજિન, વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્ય સંભાળ અને પોષણના મહત્વ અંગે તકનીકી માર્ગદર્શન પૂરું પાડી જાગૃત કરવામાં આવી હતી.
સાથોસાથ “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અને દીકરીઓના કલ્યાણકારી વિકાસને લગતી વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરીને તમામ કિશોરીઓને ‘મેન્સ્ટ્રુઅલ હાઇજિન કીટ’નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કિશોરી મેળામાં જીલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારી સીમાબેન શિંગાળા, બાળ વિકાસ યોજના અધિકારી કલ્પનાબેન શુક્લ, મેડિકલ ઓફિસર જિનાલીબેન સંઘાણી, જીલ્લા કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી, પૂર્ણા કન્સલ્ટન્ટ દક્ષાબેન, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી વર્કર્સ તેમજ પૂર્ણા યોજના અને બાલિકા પંચાયત સાથે જોડાયેલી કિશોરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






