મોરબીના વજેપર ખાતે કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ પ્રકાસમાં આવતા ચકચાર મચી ગઇ છે.જેમાં વજેપરમાં આવેલી જમીનના મલિક અંગે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી કરોડો રૂપિયામાં જમીન વેચી અને એડવાન્સ સાડા ત્રણ કરોડ રૂપિયા હડપ કરી લીધાની આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
જેને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ભગવાનજીભાઇ ખીમજીભાઇ દેત્રોજા (ઉ.વ.૬૫ રહે.હાલ ફ્લેટ નં-૫૦૧, શિવાલીક એપાર્ટમેન્ટ, પટેલ નગર, આલાપ રોડ, મોરબી મુળ ગામ કેરાળા (હરીપર) તા.જી.મોરબી) એ આરોપી અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ, અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે આરોપી અંબારામભાઇ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૬૫૨ પૈકી ૩, સર્વે નંબર ૭૫૦ તથા સર્વે નંબર ૫૭૨ વાળી જમીન મળી કુલ જમીન ૪-૫૭-૨૯ હે.આર.ચો.મી. વેચાઉ હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ આરોપી અંબારામભાઇ પટેલ, ચુનીલાલ દલવાડી, અશોકભાઇ કાસુન્દ્રા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ જાકાસણીયા,એ ખોટા આધારકાર્ડ બનાવી ખોટા ખાતેદાર તરીકે રહેલ કાંતાબેન નામ ધારણ કરનાર સવિતાબેન તથા સાક્ષી તરીકે રહેલ પીન્ટુભાઇ તથા અલ્પેશભાઇએ કાવત્રુ રચ્યું હતું.
જમીનના માલીક કાંતાબેનના તથા તેના બન્ને પુત્ર પીન્ટુ અને અલ્પેશએ ખોટા આધાર કાર્ડ બનાવડાવી સોદાખતમાં તે ખોટા આધારકાર્ડનો ઉપયોગ કરી સવિતાબેનને કાંતાબેન તરીકે દર્શાવી ખોટુ સોદાખત બનાવી લીધું હતું ત્યારબાદ જમીન વેચાણ આપવાનુ વચન આપી સાડા ત્રણ કરોડ રૂપિયા હડપ કરી લીધા હતા. આ અંગેની ફરિયાદને લઈને પોલીસે આઠેય સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.