હાલમાં તહેવારો આવી રહ્યા છે તેને લઈને મોરબી પોલીસ સતર્ક થઈ છે. ત્યારે હરીયાણાથી મોરબી કન્ટેનર મારફત લઇ જવાતો વિદેશીદારૂનો મોટો જથ્થો અણીયારી ટોલનાકા પાસેથી મોરબી એલ.સી.બી.એ ઝડપી પાડ્યો છે અને એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવાયેલ વિગત અનુસાર, ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે પોલીસ હેડકોન્સ્ટેબલ રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, તથા હેડકોન્સ્ટેબલ ભરતસિંહ ડાભીને સંયુકતમાં ખાનગી રહે બાતમી મળી હતી કે, હરિયાણાથી મોટા પ્રમાણમાં મોરબી તરફ વિદેશી દારૂ એક કન્ટેનરમાં ભરીને આવી રહ્યો છે. જે હકીકતના આધારે મોરબી એલ.સી.બી. દ્વારા માળીયા મિ. પોલીસ સ્ટેશનના અણીયારી ટોલનાકા ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.
જેમાં અશોક લેલન કન્ટેનરમાં ઓટોપાર્ટની ખોટી બિલ્ટીઓની આડમાં મોદી સંખ્યામાં હરીયાણાથી મોરબી લઇ જવાતો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ કન્ટેનરનો ચાલક ત્રિલોકસીંગ રાવત અને તેનો સાથી પ્રેમસીંગ પણ ઝડપાયો હતો. જયારે એલ.સી.બી.ની ટીમે આરોપીઓ પાસેથી રૂ.૫,૧૭,૯૨૦/-ની કિંમતની રોયલ ચેલેન્જ ફાઇન્ડ રીઝર્વ વ્હીસ્કીની ૯૯૬ બોટલો, રૂ.૧૦,૨૨,૪૦૦/-ની કિંમતની ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની ૧૭૦૪ બોટલો, તેમજ રૂ.૯,૦૦,૦૦૦/-ની કિંમતની મેકડોવેલ્સ નંબર ૦૧ની ૨૪૦૦ બોટલો મળી ટ્રક સહીત કુલ રૂ.૩૪,૪૭,૨૩૦/ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.