પત્નિ અને તેના પ્રેમીને સુરતથી શોધીને પરત લાવતી વખતે લઘુશંકા માટે કાર ઉભી રાખી ત્યારે દગો કરાયો : મકનસરના મહેશને રાજકોટ ખસેડાયોઃ કુલદીપ રાઠોડ, ચિરાગ, સુમિત, પત્નિ ભારતી સહિતના ધક્કો દેવામાં સામેલ હોવાનો આક્ષેપ
વાંકાનેર : ( હરદેવસિંહ ઝાલા દ્વારા) મોરબીના મકનસરમાં રહેતાં મહેશભાઇ તુલસીભાઇ પરમાર (ઉ.વ.૩૪) નામના યુવાનને વાંકાનેરમાં રેલ્વે પુલ પરથી નીચે ફેંકી દેવાતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. મહેશભાઇએ પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાને પુલ પરથી મકનસર પ્રેમજીનગરના કુલદીપ રાઠોડ, સુમિત રાઠોડ, ચિરાગ રાઠોડ અને પોતાની પત્નિ ભારતીએ નીચે ફેંકી દીધાનો આક્ષેપ કરતાં તે મુજબની એન્ટ્રી નોંધાવાઇ હતી.મહેશભાઇ સિરામીકમાં નોકરી કરે છે. તેણે હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે મારી પત્નિનું નામ ભારતી છે. મારે સંતાનમાં બે દિકરી છે. મારી પત્નિને કુલદિપ ભગાડી ગયો હતો. સાથે એક દિકરીને પણ લઇ ગયો હતો. કુલદિપ અને મારી પત્નિ સુરત તરફ હોવાની ખબર પતાં હું મારા સગા, કુલદિપના ભાઇઓ કાર લઇને સુરત ગયા હતાં. બંનેને ત્યાંથી પરત લાવી રહ્યા હતાં ત્યારે વાંકાનેર રેલ્વે પુલ પાસે સાંજે સાડા સાતેક વાગ્યે પહોંચ્યા ત્યારે લઘુશંકા માટે કાર ઉભી રખાવાઇ હતી. આ વખતે હું રેલ્વે પુલ પાસે ઉભો હતો ત્યારે મારા પગ પકડી ઉઠાવીને મને નીચે ફેંકી દેવાયો હતો. આશરે પાંત્રીસ ફુટ નીચે હું પટકાયો હતો. દેકારો થતાં રિક્ષાચાલકો અને બીજા લોકો ભેગા થઇ જતાં કુલદિપ સહિતને પકડી લેવાયા હતાં અને કોઇએ ૧૦૮ બોલાવતાં મને વાંકાનેર સારવાર અપાવી બાદમાં રાજકોટ ખસેડાયો હતો. મહેશના આક્ષેપો અંગે વાંકાનેર પોલીસે તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ કહ્યું હતું કે જો લોકો ભેગા ન થયા હોત તો કદાચ મહેશને ફેંકી દવાયો હોવાની ખબર પણ પડી ન હોત.