માળીયા(મી)ના સરવડ ગામે રહેતા ટાઇલ્સ ટ્રેડિંગના વેપારી યુવકને ૧૦ લાખ રૂપિયા ૧૦ ટકે વ્યાજે આપી સાત મહિનામાં યુવક પાસેથી ૮૦ લાખ રૂપિયા વ્યાજના પડાવી વધુ રૂપિયાની લાલચે યુવકને વારંવાર વ્યાજ તથા મુદલની પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતા ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વ્યાજખોર સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર માળીયા(મી)તાલુકાના સરવડ ગામના અવિભાઇ અમ્રુતભાઇ લોદરીયા ઉવ.૨૩ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી વિરમભાઇ હમીરભાઇ કરોતરા રહે.શકત શનાળા તા.જી.મોરબી, કિશનભાઇ ઉર્ફે દુષ્યન્તભાઇ મહેશભાઇ અજાણા રહે.મોરબી શનાળા રોડ ગુજરાત હાઉશીંગ બોર્ડ તથા પ્રવિણભાઇ રબારી રહે.ખાનપર તા.જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે અવિભાઈને મહેન્દ્રનગર ગામે ભાડે રાખેલ ઓફિસમાં ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતા હોય ત્યારે છ મહિના પહેલા ધંધામાં રૂપિયાની જરૂરિયાત ઉભી થતા શકત શનાળાના આરોપી વિરમભાઈ પાસેથી ૧૦ ટકે ૫ લાખ રૂપિયા લીધા હતા ત્યારબાદ વળી ધંધામાં વધુ રૂપિયાની જરૂરિયાત ઉભી થતા મોરબીના શનાળા રોડ હાઉસીંગમાં રહેતા કિશનભાઈ ઉર્ફે દુષ્યંતભાઈ પાસેથી પણ ૫ લાખ રૂપિયા ૧૦ ટકે લીધા હતા ત્યારે બંને આરોપીને નિયમિત વ્યાજ ચૂકવતા અવિભાઈએ તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૪ થી છ મહિના અંદર કિશનભાઈને ૪૦ લાખ રૂપિયા તથા વિરમભાઈ વતી પ્રવિણભાઈને પણ ૪૦ લાખ એમ કુલ ૮૦ લાખ ચૂકવી આપ્યા હોવા છતા વારંવાર વોટસઅપમાં ફોન કરી વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય ત્યારે આખરે કંટાળી જઈ અવિભાઈએ ત્રણેય વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.