પૈસા આપવા તથા ઘરે જવા બાબતે માથાકૂટ થતા ક્લીનરે ટ્રક ચાલકને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની સનસનીખેજ કબૂલાત
માળીયા(મી): માળીયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે બે દિવસ પહેલા બંધ ટ્રકમાંથી ટ્રક ચાલકનો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. પોલીસની તપાસમાં આ ટ્રક ચાલકની હત્યા થઈ હોવાનું અને આ હત્યા ક્લીનરે જ કરી હોવાનું ખુલ્યું છે. જેમાં મૃતકના મોટાભાઈએ ટ્રકના ક્લીનરને શકદાર તરીકે દર્શાવી તેને જ તેમના ભાઈની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ આરોપી ટ્રક ચાલકને ઝડપી લીધો છે.
માળીયાના પીપળીયા ચાર રસ્તા નજીક એક બંધ ટ્રકમાંથી ગત તા.7 ના રોજ ડ્રાઇવરનો મૃતદેહ મળી આવેલ હતો. જેના માથાના ભાગે ઇજાના નિશાન હોવાથી પીએમ કરાવતા આ બનાવ હત્યાનો હોવાનું ખુલવા પામેલ છે.પોલીસની તપાસમાં મૃતક બનાસકાંઠાના ભાભોર તાલુકાના અસાણા ગામના લેરાજી ચમનજી બલોધણા (ઉ.35) હોવાની ઓળખ મળી હતી અને ટ્રક ક્લીનર બનાવ સ્થળે હાજર ન મળતા ટ્રક માલિક અને મૃતકના ભાઈઓએ ક્લીનર ઉપર હત્યા શંકા દર્શાવી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મૃતક મોટાભાઈ હિરાજી ચમનજી બલોધણા, રહે. અસાણા તા.ભાભર જી.બનાસકાંઠા હાલ રહે.સરસાવ તા.કડી જી.મહેસાણા વાળાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમના ભાઈને ટ્રકના ક્લીનર દિનેશભાઇ વરસંગભાઇ રજપુત (રહે.બેણપ તા.સુઇગામ જી.બનાસકાંઠા) વાળા સાથે બનતું નહોય બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા તેમજ આગાઉ દીનેશભાઈએ મૃતક લેરાજીનો મોબાઈલ પણ લઈ લીધો હોય તેઓએ ટ્રક માલિકને ક્લીનર બદલવા કહ્યું હતું જેનો ખાર રાખી ક્લીનર દીનેશે જ આ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. હાલ આ હત્યાના બનાવ અંગે માળીયા પોલીસે મૃતક ટ્રક ચાલકના મોટાભાઈ હીરાજીની ફરિયાદને આધારે ક્લીનર દીનેશને શકદાર ગણી આઈપીસી કલમ ૩૦૨ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ઘરી હતી.
દરમિયાન માળીયા પોલીસે સઘન તપાસ ચલાવતા આરોપી માળીયાથી સામખીયાળી તરફ જતા કે.જી.એન. હોટેલે હોવાની હકકીત મળતા માળીયા પોલીસે તુરંત જ ત્યાં પહોંચી આરોપી દિનેશભાઇ વરજાગભાઈ બોડાણાને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ મૃતક પાસેથી પૈસા માંગ્યા હતા. પણ ટ્રક ચાલકે પૈસા આપ્યા ન હતા અને ક્લીનરને થોડા દિવસો પછી ઘરે જવું હોય એ બાબતે પણ ઝઘડો થયો હતો. આથી રોષે ભરાયને ક્લીનરે ટ્રકની કેબિનમાં રહેલા વહીલના પાનાથી ટ્રક ચાલકને માથાના ભાગે મારી હત્યા નિપજાવી હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.