મોરબી જિલ્લાનાં માળીયા(મી) તાલુકાના મોટાભેલા ગામે વધુ એક વિવાદિત ઘટના સામે આવી છે. જેમાં સ્મશાનમાં સ્થાપવામાં આવેલ શંકર ભગવાનની મૂર્તિ અસામાજિક તત્વ દ્વારા ખંડિત કરવામાં આવી છે. જેને લઈ સનાતન ધર્મનાં લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. ત્યારે મૂર્તિ ખંડિત કરતા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લઈ આગળની કાર્યવાહી શરુ કરી છે.
મળતી માહિતી મુજબ, માળીયા(મી) તાલુકાના મોટાભેલા ગામે આવેલ સ્મશાનમાં હસમુખભાઈ રવજીભાઈ શેરસિયા નામના ફરિયાદીના સ્વર્ગસ્થ દાદા દ્વારા શંકર ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે કોઈ કારણોસર સ્મશાનમાં સ્થાપવામાં આવેલ શંકર ભગવાનની મૂર્તિને મોટાભેલાના રહેવાસી ભરતભાઈ જીવણભાઈ સોમાણી નામના શખ્સ દ્વારા ખંડિત કરવામાં આવી હોવાના આરોપ સાથે હસમુખભાઈ દ્વારા માળિયા મી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમજ તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે માળિયા મી. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપીની શોધખોળ કરી તેને જેલ હવાલે કર્યો હતો.