માળીયા(મી) પોલીસે ક્રેટા કાર સહિત રૂ.૮.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, દારૂ મોકલનારની શોધખોળ શરૂ.
માળીયા(મી): ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ક્રેટા કારમાં બનાવેલ ચોરખાનામાંથી રૂ.૪૯,૬૨૫/-ની કિંમતના ઈંગ્લીશ દારૂના ૩૯૭ ચપલા ઝડપી લીધા હતા. પોલીસે રૂ.૮ લાખની કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.૮,૫૪,૬૨૫/-નો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં દારૂ મોકલનારના નામની કબૂલાત આપતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી-કંડલા નેશનલ હાઈવે પર ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીક માળીયા(મી) પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન શંકાસ્પદ ક્રેટા કારને રોકી તપાસ કરતાં ડ્રાઈવર સીટના નીચેના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ૮પીએમ વ્હીસ્કી ૧૮૦મીલી.ના ૩૯૭ નંગ ચપલા કિ.રૂ.૪૯,૬૨૫/- મળી આવ્યા હતા. આ સાથે પોલીસે કારચાલક આરોપી રાવતસિંહ ભેરસિંહ ચૌહાન ઉવ.૨૬ રહે. જોરાદર ગામ તા.સીતલવાણા જી. જાલોર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ.૮ લાખની હ્યુનડાઇ ક્રેટા કાર અને રૂ.૫,૦૦૦/-નો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૮,૫૪,૬૨૫/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં, આ દારૂનો જથ્થો માંગીલાલ દેવાસી ઉર્ફે માંગીલાલ રબારી રહે. કોડ ગામ તા. સાંચોર રાજસ્થાન વાળાએ કારમાં ભરાવી આપ્યો હોવાનું અને તેને ગાંધીધામ પહોંચાડવાનો હોવાની કબૂલાત આપી હતી. ત્યારે પોલીસે દારૂ મોકલનારને ફરાર દર્શાવી, બંને આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






