Sunday, June 21, 2026
HomeGujaratવાંકાનેર નજીક પેપરમિલમાં ભીષણ આગ:ફાયર બ્રિગેડની ૬ ગાડીઓ દ્વારા આગ કાબૂમાં લેવા...

વાંકાનેર નજીક પેપરમિલમાં ભીષણ આગ:ફાયર બ્રિગેડની ૬ ગાડીઓ દ્વારા આગ કાબૂમાં લેવા પ્રયત્નો યથાવત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી એડીકોન પેપર પ્રાઈવેટ લિમિટેડ નામની પેપર મિલમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ફેક્ટરીમાંથી ઊંચી ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આગની જાણ થતાં જ સંચાલકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર બ્રિગેડની મદદ મંગાવવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે મોરબી ફાયર વિભાગની 4, હળવદ ફાયર વિભાગની 1 અને વાંકાનેર ફાયર વિભાગની 1 એમ કુલ 6 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા અને તેને સંપૂર્ણપણે કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. પેપર અને અન્ય જ્વલનશીલ સામગ્રીના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તબક્કે જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ અને થયેલી નુકસાનીનો અંદાજ હજુ સુધી સામે આવ્યો નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાની અને કારણ અંગે સ્પષ્ટ માહિતી મળી શકશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!