મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂબંધી કાયદા અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે.ગઈકાલે રાત્રે વાંકાનેર શહેર પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલા વાઘાસિયા ટોલ પ્લાઝા નજીક, ગાયત્રી ચેમ્બર સામે નેશનલ હાઇવે નં. 27 પરથી વિદેશી દારૂ ભરી પસાર થતા ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ દરોડા દરમિયાન SMC ટીમે કુલ 28,912 IMFL દારૂની બોટલો કબજે કરી હતી, જેની કિંમત રૂ. 55,74,528 થાય છે. ઉપરાંત દારૂના જથ્થા સાથે એક કન્ટેનર (રૂ. 25 લાખ), ત્રણ મોબાઇલ ફોન (રૂ. 10,500) અને રોકડ રૂ. 1,070 મળી કુલ રૂ. 80,86,098નો મુદ્દામાલ સાથે અચલારામ રાજુરામ જાટ (રહે. ધીરાસર, તાલુકો ચોહટન, જિલ્લો બારમેર, રાજસ્થાન) નામના આરોપીની ધરપકડ કરી છે અને પૂછપરછમાં તે કન્ટેનરનો ડ્રાઇવર તેમજ માલિક હોવાનું સામે આવ્યું છે.ધરપકડ કરાયેલા આરોપીને વાંકાનેર સીટી પોલીસને સોંપવામાં આવ્યો છે.તેમજ ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન રાજસ્થાનના સિકર જિલ્લાના મનીષ શર્મા નામના દારૂ સપ્લાયર તેમજ મોરબી જિલ્લાના એક દારૂના રિસીવરનું નામ પણ ખુલ્યું છે.જે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી SMCના PSI ડી. એ. તુવારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસે દારૂબંધી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.






