મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન સામે પોલીસ તથા ખાણખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાંથી કરોડો રૂપિયાના વાહનો અને મશીનરી સાથે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાતા ખનીજ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે. કાર્યવાહી દરમિયાન કુલ રૂ.1.39 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી.ની સૂચના બાદ મોરબી પોલીસ દ્વારા જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન મોરબી એલસીબી/એસઓજી ટીમ તથા ખાણખનીજ વિભાગના અધિકારીઓને ખાનગી બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની ઢોરાવાળી સીમમાં સરકારી ખરાબાની જમીનમાં જેસીબી મશીન મારફતે ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે એલસીબી/એસઓજી ટીમ તથા ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ પર રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સરકારી જમીનમાં ખોદકામ કરતા જેસીબી સહિતના વાહનો મળી આવ્યા હતા. પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, તરણેતર ગામના ગભરૂભાઈ નાથાભાઈ રબારી દ્વારા લાંબા સમયથી ગેરકાયદેસર ખનીજ ખનન કરવામાં આવતું હતું અને ખોદવામાં આવેલ ખનીજને વિનયગઢ નજીક આવેલા નારાયણ મિનરલ્સ પ્લાન્ટમાં લઈ જઈ પ્રક્રિયા બાદ ડમ્પરો મારફતે બહારના જિલ્લાઓમાં વેચાણ કરવામાં આવતું હતું. કાર્યવાહી દરમિયાન છ ડમ્પર, એક જેસીબી મશીન અને ટ્રેક્ટર લોડર સહિત કુલ રૂ. 1.39 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ખાણખનીજ વિભાગ દ્વારા સ્થળની માપણી, તપાસ અને દસ્તાવેજી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર ખનીજ ચોરી બદલ સંડોવાયેલા ઇસમો સામે ખનીજ નિયમો મુજબ ભારે દંડ ફટકારવાની શક્યતા છે. આ કેસમાં ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે. તરણેતર, તા. થાનગઢ તથા વાલાભાઈ ગગજીભાઈ અલગોતર રહે. જામવાડી, તા. થાનગઢના નામ સામે આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






