મોરબી ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે મોરબી નગરપાલિકા વિસ્તારના વોર્ડનં-૧૨ માં આવેલ જકશીની વાડી વિસ્તારમાં રૂપિયા ૩૮.૧૫ લાખના ખર્ચે બનાવવામાં આવનાર પેવરબ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે શહેરીજનોને પુરતા પ્રમાણમાં વિજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, રસ્તા જેવી પ્રાથમિક સવલતો સરળતાથી મળી રહે અને શહેરનો સમતોલ વિકાસ થાય તે દિશામાં રાજય સરકાર કાર્ય કરી રહી છે. તેમણે શહેરી વિસ્તારના વિકાસની કેડીને આગળ ધપાવવા રાજય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું પણ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું. તેમજ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરના કાયમી ઉકેલ માટે પણ રાજય સરકાર આયોજન કરી રહેલ હોવાનું વધુમાં જણાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ‘‘પરીક્ષા પે ચર્ચા’’ કાર્યક્રમ અંતર્ગત મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ તેમના મોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન શહેરની પ્રાથમિક શાળા નં.૧ ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ તેમણે શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચાઓ કરી શાળાની સવલતો- જરૂરીયાતથી અવગત બન્યા હતાં. તેમણે શાળાના પ્રાંગણની સ્વચ્છતા, વિદ્યાર્થીઓની શિસ્તતા તેમજ શિક્ષકોની શિક્ષણ આપવાની તત્પરતાથી પ્રભાવિત થયા હતાં.
આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ચીફ ઓફીસર સંદિપસિંહ ઝાલા, અગ્રણી સુરેશભાઇ દેસાઇ, દેવાભાઇ અવાડીયા, ગણેશભાઇ ડાભી, ભાવેશભાઇ કણઝારીયા, પુષ્પાબેન જાદવ, બ્રિજેશભાઇ કુંભારવાડીયા, ચુનીભાઇ પરમાર, કે.કે. પરમાર, સુરેશભાઇ સિરોહિયા, ચતુરભાઇ દેત્રોજા, માવજીભાઇ કણઝારીયા, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પદાધિકારી અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહયા હતાં.