મોરબી-માળીયા (મીં) વિસ્તારમાં નર્મદાની ત્રણ બ્રાન્ચ કેનાલો જેવી કે મોરબી બ્રાન્ચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ અને માળીયા (મીં) બ્રાન્ચ કેનાલ દ્વારા ખેડૂતોને પૂરતું સીંચાઈનું પાણી મળે તે માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજા તેમજ સંગઠનના હોદેદારો અને પદાધિકારીઓએ સતત ચિંતા સેવીને આ ત્રણેય કેનાલોમાં સતત પાણીનો પૂરતો પ્રવાહ ઉપલબ્ધ કરાવવા જહેમત ઉઠાવી હતી. હવે જ્યારે માળીયા (મીં) બ્રાન્ચ કેનાલના છેવાડાના ગામો જેવા કે ખીરઈ, માણાબા, સુલતાનપુર, ચિખલી, વેણાસર, કુંભારિયા, ખાખરેચી, ઘાંટીલા વિગેરે ગામોને સીંચાઈનું પાણી મળે તે માટે ધારાસભ્ય સમક્ષ તાલુકા પંચાયતના સભ્ય પ્રવીણભાઈ અવાડિયા, ઉપપ્રમુખ સવજીભાઈ, કુંભારિયાના સરપંચ કાંતિભાઈ, ઘાંટીલાના કેતનભાઈ વિડજા, સંગઠનના અરજણભાઇ વિગેરે સાથે ધારાસભ્યએ સતત સંપર્કમાં રહીને ખેડૂતોને પાણી મળે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. છેક ગાંધીનગર સચિવાલય સુધી આ બાબતે રજૂઆતો કરીને આ માળીયા (મીં) બ્રાન્ચ કેનાલમાં ૮૦૦ ક્યુસેક પાણી પણ છોડાવ્યું છે.
પરંતુ કમનશીબે આ કેનાલમાં ધ્રાંગધ્રા અને હળવદ તાલુકામાં ગેરકાયદેસર પાણીનો વ્યય થઈ રહ્યો હોય એ અટકે તો જ છેવાડાના ગામોને પાણી મળે. માળીયા (મીં) ના ખેડૂતોના હિતમાં હળવદ – ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરિયાનો પણ હકારાત્મક સહયોગ રહ્યો છે.તદુપરાંત નર્મદાના ખાસ સચિવ વ્યાસ, અધિક્ષક ઇજનેર પંડ્યા, કાર્યપાલક ઈજનેર પ્રજાપતિ તેમજ ક્ષેત્રિય ઇજનેરો, હળવદ – માળીયા (મીં) ના આસિસ્ટન્ટ કલેક્ટર, મોરબી જિલ્લા કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહીને કોઈપણ ભોગે માળીયા (મીં) તાલુકાનાં ખેડૂતોને તેમના હક્કનું પાણી મળી રહે તે જોવા ધારાસભ્યએ તંત્રને સતત દોડતું રાખ્યું છે. એટલુ જ નહીં પણ પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેરને ગેરકાયદેસર પાણી લેતા વીજ કનેક્શનો તાકીદે દૂર કરવા તેમજ જરૂર જણાયે પોલીસ તંત્રનો પણ સહયોગ લઈ આ માળીયા (મીં) બ્રાન્ચ કેનાલમાં હળવદ અને ધ્રાંગધ્રા પંથકમાં થતી ગેરકાયદેસર પાણીના વ્યયની પ્રવૃતિઓ અટકાવવા પણ ધારાસભ્યશ્રીએ ખાસ સૂચના આપી છે. સાથોસાથ ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાએ પણ માળીયા (મીં) તાલુકાનાં આ ખેડૂતોને નર્મદાની બ્રાન્ચ કેનાલમાંથી દિવસ ત્રણમાં પાણી મળી રહે તો જ ખેડૂતોનો પાક બચી શકે તેમ છે તેવી તીવ્ર લાગણી ખેડૂતો વતી ધારાસભ્યએ પહોંચાડી છે. આમ, આ માળીયા (મીં) બ્રાન્ચ કેનાલમાંથી ખેડૂતોને ઉનાળુ, રવિ અને ખરીફ પાક માટે ચાલુ વર્ષે ખેડૂતોને પાણી અપાવવામાં ધારાસભ્યએ સતત તકેદારી રાખીને ખેડૂતોને ઉપયોગી થયા છે. ત્યારે હવે ચોમાસુ નજીક છે અને છેલ્લું પાણી પણ ખેડૂતોને નર્મદાની કેનાલમાંથી અપાય તે ખૂબ અનિવાર્ય છે. આ અંગે ધારાસભ્ય સતત તંત્રને સૂચનાઓ આપીને ખેડૂતોના હિતમાં કાર્યરત છે. વેજલપર, ગાળા વિગેરે ગામોને પણ નર્મદાની બ્રાન્ચ કેનાલનું પાણી તાજેતરમાં ધારાસભ્યએ ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવ્યુ છે.