મોડી રાત્રે લાકડાના ધોકા અને ઢીકાપાટુથી માર માર્યો, દુકાન માલિક અને તેનો મિત્ર ઇજસગ્રસ્ત.
મોરબી-૨ મહેન્દ્રનગર ચોકડી નજીક અગાઉની બોલાચાલીનો ખાર રાખી પાનની દુકાન માલિક અને તેના મિત્ર ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. લાકડાના ધોકા, ઢીકાપાટુ અને પાણીની બોટલથી માર મારવામાં આવતા દુકાન માલિકને માથામાં ટાંકા અને પાંસળીમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે ભોગ બનનારની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, વિનાયક વીલા બ્લોક નં.૨૦૧ પ્રભુકૃપા રેસીડેન્સી મહેન્દ્રનગર મોરબી-૨ ખાતે રહેતા ચંદ્રેશભાઈ રણછોડભાઈ પનારા ઉવ.૩૬ નંબ યુવકને મહેન્દ્રનગર ચોકડી ખાતે શિવાલીક કોમ્પ્લેક્સમાં પટેલ પાન નામની દુકાન છે. ત્યારે ગત તા.૨ ઓક્ટોબરની મોડી રાત્રે તેમના મિત્ર દિવ્યેશભાઈ અઘારા સાથે દુકાને હાજર હતા. દરમિયાન અગાઉ બોલાચાલી ઝઘડો થયો હોય તે શૈલેષભાઈ ગોરીયા તેના ત્રણ મિત્રો સાથે કારમાં ત્યાં આવ્યો હતો અને અગાઉની બોલાચાલીનો ખાર રાખી ચંદ્રેશભાઈને દુકાન બહાર બોલાવી ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી લાકડાના ધોકાથી માર માર્યો હતો.
આ દરમિયાન ચંદ્રેશભાઈ ભાગવા જતા એક શખ્સે તેમને પકડી રાખી ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે અન્ય શખ્સે પાણીની મોટી ખાલી બોટલથી હુમલો કર્યો હતો. ત્યારે બચાવવા વચ્ચે પડેલા તેમના મિત્ર દિવ્યેશભાઈને પણ ઢીકાપાટુ અને બોટલ વડે માર મારવામાં આવ્યો હતો. હુમલામાં ચંદ્રેશભાઈને માથામાં ગંભીર ઇજા થતાં ત્રણ-ચાર ટાંકા આવ્યા હતા અને ડાબી બાજુની પાંસળીમાં સામાન્ય ફ્રેક્ચર થયું હતું, જ્યારે દિવ્યેશભાઈને મોઢા તથા કાનમાં ઇજા થઈ હતી. હાલ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






