મોરબીના લાલપર ગામે રહેતા યુવકને તેના મિત્રએ જ બેટ વડે બેફામ માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો છે, જેમાં વારંવાર ફોન કરવા બાબતે યુવકને તેના મિત્રએ તેના ઘર પાસે આવીને માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. હાલ ભોગ બનનાર યુવક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો હોય ત્યારે તાલુકા પોલીસ સમક્ષ નોંધાવેલ ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવામાં સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના લાલપર ગામે અજંતા ઓરશન ઝોન ફ્લેટ સી-૧ બ્લોક ૩૦૪માં રહેતા મૂળ રફાળેશ્વર ગામના વતની અશોકભાઈ દલાભાઈ રાઠોડ ઉવ.૩૨ એ તાલુકા પોલીસ સમક્ષ આરોપી હિતેષભાઈ દિનેશભાઈ રાવળદેવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત આરોપી હિતેષભાઈ અને ફરિયાદી અશોકભાઈ બંને મિત્ર હોય ત્યારે ગઈ તા.૧૪/૦૨ના રોજ આરોપી હિતેષભાઈ બપોરના અરસામાં અશોકભાઈના રહેણાંક પાસે આવીને અશોકભાઈને ફોન કરીને એપાર્ટમેન્ટ નીચે કેમ્પસમાં બોલાવ્યા હતા, ત્યારે અશોકભાઈ કેમ્પસમાં આવતા તેના મિત્ર આરોપી હિતેશભાઈએ કહ્યું કે ‘વારંવાર કેમ ફોન કરે છે’ તેમ કહી અશોકભાઈ પાસે રહેલ બેટ ઝૂંટવી તેમને બેટ વડે આડેધડ અશોકભાઈને શરીરે માર માર્યો હતો, અને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર બનાવ મામલે અશોકભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.