મોરબીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞનો શુભારંભ
સિરામિક ઉદ્યોગક્ષેત્રે વિશ્વફલકે ચમકતી અને મચ્છુના તટે આવેલી મયુરનગરી મોરબી ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ થઈ ચૂક્યો છે. જે અંતર્ગત શુક્રવારે તા. ૨૩/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૭:૩૦ કલાકે મંદિર પ્રાંગણમાં આવેલ વૈદિક યજ્ઞશાળામાં ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
દેશ-વિદેશના ૫,૦૦૦ જેટલા યજમાનોએ આપી આહુતિઓ
આ મહાયજ્ઞમાં ભારત ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુ.એ.ઈ., સાઉથ આફ્રિકા, કેન્યા, ટાન્ઝાનિયા અને યુગાન્ડા સહિતના વિદેશી દેશોમાંથી કુલ ૫,૦૦૦ જેટલા યજમાન ભક્તોએ ભાગ લીધો હતો. વિશેષરૂપે આફ્રિકા ખંડમાંથી ૧૫૦ થી વધુ યજમાનો આજના યજ્ઞમાં જોડાયા હતા. ગોંડલ અક્ષરદેરીની અખંડ જ્યોતથી યજ્ઞકુંડ પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો.
મહાનુભાવો અને સંતોની વિશેષ ઉપસ્થિતિ
મહાયજ્ઞના પ્રથમ દિવસે ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વમંત્રી બ્રીજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયા, તપનભાઈ દવે તેમજ કલેક્ટર, ડીડીઓ અને એસ.પી મોરબી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા. સંસ્થાના ષગ્દર્શનાચાર્ય વિદ્વાન સંત પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ ૨૫ વેદપાઠી બ્રાહ્મણો દ્વારા યજ્ઞ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
પ.પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વચન
૯૩ વર્ષની જૈફ વયે પણ પ.પૂ. મહંતસ્વામી મહારાજ યજ્ઞશાળામાં પધારી તમામ યજમાનોને દર્શન અને લાભ આપ્યા હતા.તેઓએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, “આ યજ્ઞથી સર્વત્ર સુખ, શાંતિ અને ધર્મભાવના વધશે. તમામ યજમાનો તને, મને અને ધને એમ સર્વ પ્રકારે સુખી થાવ એવી ભગવાનને પ્રાર્થના.”
આગામી કાર્યક્રમોની રૂપરેખા:
૨૩ ઓક્ટોબર (આજે સાંજે ૫:૦૦ થી ૮:૦૦): મહંત સ્વામી સભાગૃહમાં ‘સ્વાગત-અભિવાદન સમારોહ’ યોજાશે.
૨૪ ઓક્ટોબર, શનિવાર (સવારે ૭:૩૦ થી ૧૨:૦૦): ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ તથા સાંજે ૪:૦૦ થી ૭:૦૦ દરમિયાન મોરબીના રાજમાર્ગો પર ઠાકોરજીની મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા યોજાશે.
મોરબીવાસીઓ અને સત્સંગ મંડળ દ્વારા આ ઐતિહાસિક મહોત્સવનો પરિવાર સાથે લાભ લેવા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






