મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી હાથ ધરાઇ. જેમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સોગંદનામું રજૂ કર્યું હતું. ગત ૩૦ ઓક્ટોબરે ઝૂલતા પુલની ૧૩૫ લોકોનાં મોતની દુર્ઘટનામાં સુઓમોટો લીધા બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાજ્યના ચીફ સેક્રેટરીને પ્રશ્ન કર્યા છે કે “શા માટે એક જાહેર પુલના સમારકામ માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરાઈ નહોતી? શા માટે બીડ આમંત્રિત કરાયું નહોતું?”
મોરબી બ્રિજ હોનારતમાં ગુજરાત સરકારની ગંભીર બેદરકારીને લપડાક મારતાં ગુજરાત હાઈકોર્ટે મંગળવારે અણિયારા પ્રશ્નો કર્યા હતા અને પૂછ્યું હતું કે, ટેન્ડર બહાર પાડ્યા વગર ઝૂલતા પુલનો કોન્ટ્રાકટ કેમ અપાયો ?, મોરબી પાલિકા સ્માર્ટ એક્ટિંગ કરતી હોવાની પણ ગંભીર ટિપ્પણી હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી હતી. તેમજ મોરબી પાલિકાને નોટિસ પાઠવવા નામદાર મોરબી ડીસ્ટ્રીકટ જજને બેલિફની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ સરકારને સવાલોનો મારો કરતા હાઇકોર્ટે પૂછ્યું કે, ચીફ ઓફિસર ઝાલા સામે શું પગલાં ભર્યા ?, આવડા મોટા કામ નો ઝૂલતા પુલના સંચાલન માટે કરાયેલ કરાર માત્ર દોઢ પેજનો હોય? તે અંગે પણ સવાલ ઉઠાવ્યા અને ૨૦૦૮માં થયેલા એમઓયુની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં, બ્રિજની જાળવણી કેમ ચાલુ રાખવામાં આવી હતી ? સહિતનાં સવાલો ઉઠાવાયા હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ મામલે આવતીકાલે પણ સુનાવણી શરૂ રહેશે.