મોરબી જિલ્લામાં દેશી-વિદેશી દારૂની વધતી બદીને અટકાવવા ઉચ્ચાધિકારીઓએ સૂચના કરતા મોરબી જિલ્લા પોલીસ દ્વારા એક બાદ એક રેઈડ પાડી બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઇડ કરી હતી. અને એક જગ્યાએથી દેશી તથા બીજી જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
પ્રથમ બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ બાતમીના આધારે લાયન્સ સ્કુલથી આગળ વીશીપરા રેલ્વે સ્ટેશન પાસે ખાડામાં જતા રસ્તા ઉપર રેઇડ કરી વીદેશી દારૂ રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૫ બોટલનો રૂ.૨૬૦૦/-નો જથ્થો જપ્ત કરી રોહિતભાઇ કાંતીભાઇ ઉર્ફે મુન્નાભાઇ સરવૈયા (રહે. સેન્ટમેરી સ્કુલની દિવાલ પાસે નવલખી રોડ મોરબી) નામના શખ્સની સ્થળ પરથી અટકાયત કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ, સિમ્પોલો સેનેટરીવેર કારખાના પાસેથી એક શખ્સ GJ-01-TA-6459 નંબરની બજાજ કંપનીની સી.એન.જી. રિક્ષા નીકળનાર છે. જેમાં કેફી પીણું ભરેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી રૂ.૧,૦૦,૦૦૦/-ની કિંમતની બાતમી વાળી સી.એન.જી. રિક્ષાને રોકી તેમાં તપાસ કરતા અંદરથી ૦૫ લીટરની ક્ષમતાવાળા પ્લાસ્ટિકના ૦૬ બાચકામાં ભરેલ ૬૦ પ્લાસ્ટિકની કોથળીમાં રહેલ રૂ.૬,૦૦૦/- ની કિંમતનો ૩૦૦ લીટર દેશી પીવાનો દારૂ મળી કુલ રૂ.૧,૦૬,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે મુદ્દામાલ સાથે પોલીસે જયભાઇ જયંતિભાઇ રાઠોડ (રહે. કુબેર ટોકીઝ પાસે, મોરબી-૦૨) નામના શખ્સની અટકાયત કરી હતી. ત્યારે તેની પૂછપરછ કરતા તેમને જાણવા મળેલ કે આરોપી રામદેવભાઇ (રહે. બગથળા, તા.જી.મોરબી) નામના શખ્સને આ મુદ્દામાલ આપવા જય રહ્યો હતો. જે હકીકતના આધારે પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો નોંધી રામદેવભાઇને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.