94.85% પરિણામ સાથે સતત ચોથી વખત ટોચ પર મોરબી, 27 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
મોરબી: માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં મોરબી જીલ્લામાં 94.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જીલ્લામાંથી 1845 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1750 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને 27 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જીલ્લાએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. સમગ્ર રાજ્યનું પરિણામ 84.33% જાહેર થયું છે, જ્યારે મોરબી જીલ્લામાં 94.85% સાથે રાજ્યમાં સતત ચોથી વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.
જીલ્લામાં કુલ 1849 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1845 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 1750 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. પરિણામ મુજબ 27 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 291 વિદ્યાર્થીઓએ A2, 472એ B1, 391એ B2, 355એ C1, 191એ C2 અને 23 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 99 વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની જરૂરિયાત (N.I.) દર્શાવવામાં આવી છે.
કેન્દ્રવાર પરિણામમાં હળવદ કેન્દ્રનું પરિણામ 98.43% સાથે સૌથી વધુ રહ્યું છે, જ્યાં 508માંથી 500 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વાંકાનેર કેન્દ્રનું પરિણામ 95.02% (301માંથી 286 પાસ) રહ્યું છે, જ્યારે મોરબી કેન્દ્રમાં 93.05% પરિણામ નોંધાયું છે, જેમાં 1036માંથી 964 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.





