મોરબી સીટી એ ડિવિજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામપાર્ક- ૧ બ્લોક નંબર ૫૮ માં રહેતા મૂળ ટંકારાના ગજડી ગામના વતની અને કોલસાનો વેપાર કરતા મગનભાઈ રામભાઈ સોઢીયા (ઉ.વ.૩૭) એ આરોપીઓ ભરતભાઇ સામંતભાઇ સોઢીયા,મગનભાઈ સામંતભાઇ સોઢીયા, કરણદાન ગઢવી, મનીષભાઈ જગદીશભાઈ, કિશનભાઈ રામાણી સામે ફરિયાદ નોંધાવી હતી કે, કોલસાના વેપારીએ વર્ષ ૨૦૧૭ માં આરોપી ભરતભાઇ સામંતભાઇ સોઢીયા પાસેથી રૂ.૧૫ લાખ પાંચ ટકાના વ્યાજદરે, આરોપી મગનભાઈ સામંતભાઇ સોઢીયા પાસેથી રૂ.૨૫ લાખ માસિક સાત ટકાના વ્યાજદરે, આરોપી કરણદાન ગઢવી પાસેથી વર્ષ ૨૦૧૭-૧૮ માં કટકે કટકે રૂ.૨૦ લાખ દસ ટકાના વ્યાજદરે, આરોપી મનીષભાઈ જગદીશભાઈ પાસેથી રૂ.૧૪ લાખ પંદર ટકાના વ્યાજદરે, આરોપી કિશનભાઈ રામાણી પાસેથી રૂ.૮ લાખ પાંચ ટકાના વ્યાજદરે લીધા હતા. ફરિયાદીએ આ પાંચેય આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજદરે નાણા લીધા બાદ વ્યાજ તથા મુદ્દલની રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં આરોપીઓ ફરિયાદી પાસેથી વધુ નાણા પડવવા વ્યાજનું પણ વ્યાજ ચડાવીને પઠાણી ઉઘરાણી કરી હતી. જેમાં ગત તા.૨૯ ના રોજ આરોપીઓએ મોબાઈલ ફોન ઉપર ફરિયાદીને ધાક ધમકી આપી તેમના ઘરે ગયા હતા અને ફરિયાદીના પત્ની પાસેથી વ્યાજની રકમ આપી દેવા દબાણ કરી પઠાણી ઉઘરાણી કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આરોપીઓ વારંવાર ફરિયાદીને ફોનમાં ધાક ધમકી આપતા હોવાથી આખરે તેમણે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવની ફરિયાદના આધારે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.