કોરોના મહામારીને લઈને કેન્દ્ર તથા રાજ્ય સરકારની તાકીદ મુજબ ફટાકડા ફોડવાથી ઉત્તપન્ન થતા પ્રદુષણને કારણે કોરોના સંક્રમિત દર્દીઓ અને ખાસ કરીને વૃદ્ધો-બાળકોને વધુ તકલીફ થવાની સંભાવના હોવાથી ફટાકડા ફોડવા પર સમયની પાબંધી લગાવવામાં આવી છે. ત્યારે આ વર્ષે પાછલા વર્ષોની સરખામણીએ ઓછા ફટાકડા ફૂટે એવી સંભાવના છે. આમ છતાં મોરબી ફાયર વિભાગે તહેવારોને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપ આગોતરું આયોજન કર્યું છે.
દિવાળીના તહેવારોને અનુલક્ષીને તંત્રની તૈયારીઓ વિશે પાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, દિવાળીને લઈ અમે આગ અકસ્માત સમયે પહોંચી વળવા આગોતરું આયોજન કર્યું છે.મોરબી પાલિકા પાસે હાલ એક મોટું ફાયર બ્રાઉઝર, 2 મીની ફાયર બ્રાઉઝર અને એક ટેન્કર સહિતના સાધનો છે. જેમાંથી એક સામાં કાંઠા વિસ્તારમાં સ્ટેન્ડબાય રાખીશું જેથી આ વિસ્તારમાં આગ લાગે તો ટ્રાફિકમાં ફસાયા વિના વાહન નીકળી શકે. આ ઉપરાંત શહેરના બે અલગ અલગ સ્થળે વાહનો રાખીશું. આ સિવાય અમારા તમામ ફાયરના સ્ટાફને પણ સ્ટેન્ડબાય મોડમાં રાખવામાં આવશે. જેથી આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક સ્થળ પર પહોંચી અકસ્માતની ઘટનાથી ઓછામાં ઓછું નુકશાન થાય.