માનવતાને કલંકિત કરતો કિસ્સો: પિતાની સંમતિથી સગીર દીકરી બની હવસનો શિકાર, આરોપી પિતા, મકાન-માલીક સહિત ત્રણ નરાધમો વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાયો.
મોરબી શહેરમાં માનવતાને હચમચાવી નાખે તેવી જઘન્ય ઘટના સામે આવી છે. મકાનનું ભાડું બાકી રહેતા મકાન માલીકે ભાડૂઆત પરિવારની મજબૂરીનો ગેરલાભ લઈ ૧૩ વર્ષીય સગીર બાળકી અને તેની માતા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાએ સમાજને શર્મશાર કર્યો છે. હાલ આ અત્યંત ઘૃણાસ્પદ બનાવમાં પોલીસે અગાઉ આરોપી પિતાની અટક કરી તેને જેલ હવાલે કર્યો હતો, આરોપી મકાન-માલીકની હાલ ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી શહેરમાં કળિયુગની પરાકાષ્ટા સમાન અને માનવ સમાજને કલંકિત કરતો હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. ગરીબી અને મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી એક મકાન માલીકે પોતાની હવસ સંતોષવા માટે સગીર બાળકી સુધીને ન છોડતાં સમગ્ર પંથકમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સીટી એ ડિવિઝન પોલીસની તપાસ મુજબ, ભોગ બનનાર પરિવાર આશરે છ મહિના પહેલા મજૂરી કામ માટે મોરબી આવ્યો હતો. પરિવારે માસિક રૂ.૨૦૦૦/-ના ભાડે મકાન રાખ્યું હતું. જોકે પરિવારમાં પતિને કામધંધો ન મળતા ભાડું ચડત થતું ગયું હતું. આ પરિસ્થિતિનો ગેરલાભ લઈ આરોપી મકાન માલીકે ભાડૂઆત પરિવાર પર દબાણ શરૂ કર્યું હતું. ત્યારે ભોગ બનનાર મહિલાના પતિની સંમતિથી મકાન માલીકે પહેલા મહિલાને શારીરિક સંબંધ માટે મજબૂર કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આરોપીની હવસ અહીથી અટકી નહોતી. આરોપીએ માત્ર ૧૩ વર્ષની સગીર બાળકી પર પણ નજર બગાડી હતી અને ભાડું માફ કરવાની લાલચ તથા દબાણ હેઠળ બાળકી સાથે પણ અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
ઉપરોક્ત બનાવ અંગેની ફરિયાદ મુજબ, આરોપીઓએ મોરબી ઉપરાંત ટંકારા ખાતે પણ ભોગ બનનાર મહિલાને લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારે સમગ્ર ઘટનામાં એક અન્ય સહઆરોપીની સંડોવણી પણ સામે આવી છે. સમાજને કંપાવી મૂકે તેવી આ ઘટનામાં એક પિતાએ પોતાની જ સગીર દીકરીને બચાવવાને બદલે હવસખોરોના હવાલે કરી દીધી હોવાના આક્ષેપથી લોકોમાં ફિટકારની લાગણી વ્યાપી છે. હાલ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે આરોપી મકાન માલીક, ભોગ બનનારનો પતિ તથા અન્ય એક સહઆરોપી સામે બીએનએસ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. અગાઉ પોલીસે આરોપી પતિને ઝડપી લીધો હતો, જે હાલ જેલ હવાલે છે. જ્યારે નરાધમ આરોપી મકાન માલીકને પણ ઝડપી લઈ કોર્ટ હવાલે કરી, રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ ચાલી રહી છે. અન્ય ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસે તજવીજ તેજ કરી છે.






