મોરબીને ખેતીવાડી કોલેજ મળે તે માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કૃષી મંત્રી આર.સી. ફળદુ સમક્ષ માંગણી કરેલી તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાને સાથે રાખી કૃષી મંત્રી સાથે પરામર્શ પણ કરેલો, તે અન્વયે મોરબીને ખેતીવાડી કોલેજ આપવા બાબતે કૃષી ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવને કૃષી મંત્રીએ સુચના આપેલ હતી. જે અંગે ધારાસભ્ય દ્વારા ફોલોઅપ કામગીરી કૃષી વિભાગમાં હાથ ધરેલ હતી. તે અંતર્ગત કૃષી વિભાગે મોરબી જિલ્લો કે જે કૃષી યુનિવર્સિટી, જુનાગઢના કાર્યક્ષેત્રમાં આવે છે તે કૃષી યુનિવર્સિટી, જૂનાગઢનાં કુલ સચિવને લેખિતમાં સૂચના આપી મોરબી ખાતે ખેતીવાડી કોલેજનું સર્વેક્ષણ હાથ ધરી વિગતે અહેવાલ રજૂ કરવા જણાવ્યુ છે. આ બાબતે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી ખાતે કૃષી કોલેજ ઊભી કરવા માટે સૂચિત સ્થળ તરીકે હાલ કંડલા બાયપાસ ઉપર સ્વામી નારાયણ ગુરુકુલની બાજુમાં કૃષી શિક્ષણ કેન્દ્ર કાર્યરત છે તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષી કોલેજ માટે પર્યાપ્ત હોય તે સ્થળે કૃષી કોલેજ ચાલુ કરવાની શક્યતા તપાસવા નિર્દેશ કરેલ છે. વળી, આ સ્થળે સરકારી જમીનનો ખરાબો પણ ઉપલબ્ધ છે જે ખેતીવાડી કોલેજની જરૂરિયાત મુજબ આ ખરાબો ઉપયોગમાં લઇ શકાય.
અત્રે ઉલ્લેખનીય રહેશે કે આવતા શૈક્ષણિક સત્રથી મોરબીના ગિબ્સન મિડલ સ્કૂલમાં કામ ચલાઉ ધોરણે ૧૦૦ મેડિકલ સ્ટુડન્ટની પ્રથમ બેન્ચ સાથે મેડિકલ કોલેજ કાર્યરત કરવા ધારાસભ્યએ કરેલ મહેનત ફળી છે તે પગલે મોરબીની ખેતીવાડી કોલેજ પણ મળવાના સંજોગો ઉજળા દેખાઈ રહ્યા છે. આમ, ગુજરાત સરકાર દ્વારા મોરબીને ખેતીવાડી કોલેજ મળે તેવા ચક્રો ગતિમાન થયા છે. આમ, મોરબી ને એક પછી એક વિકાસના અનેક પ્રકલ્પો ખૂલે તે માટે વહીવટી દક્ષતા, મહેનતકશ અને સતત જાગૃત એવા ધારાસભ્ય બ્રિજેશ મેરજા મોરબીના હિતમાં પ્રયાસો કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.