મોરબી: મોરબી મહાનગર પાલિકાની ફૂડ શાખાએ શહેરમાં ખાણી-પીણી તથા ફરસાણની 45 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરી અખાદ્ય અને વાસી ખાદ્યપદાર્થો સામે કાર્યવાહી કરી હતી. નવાડેલા રોડ, વાવડી રોડ, મહેન્દ્રનગર ચોકડી અને ભક્તિનગર સર્કલ વિસ્તારમાં કરાયેલી તપાસ દરમિયાન અનેક સ્થળોએ અનહાઈજેનિક સ્થિતિ જોવા મળતાં સંબંધિત વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
મહેન્દ્રનગર ચોકડી ખાતે આવેલી ઉમા હોટેલમાંથી પાંચ પેકેટ ફૂગ લાગેલા પિઝાના રોટલા, એક કિલો વાસી નૂડલ્સ અને બે કિલો મંચુરિયનનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત હોટેલમાં અસ્વચ્છતા જોવા મળતાં સંચાલકને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે એક્શન ચાઇનીઝમાંથી પાંચ કિલો મંચુરિયન, બે કિલો નૂડલ્સ અને બે કિલો ભાતનો નાશ કરવામાં આવ્યો હતો.
ભક્તિનગર સર્કલ પાસે આવેલી વિરાટ પાઉભાજીમાંથી ફૂગ લાગેલું આદુ અને વાસી કોફતા મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. અહીં પણ અનહાઈજેનિક સ્થિતિને પગલે નોટિસ પાઠવવામાં આવી હતી.વાવડી રોડ પર આવેલી મોમાઈ ફાસ્ટફૂડમાંથી ચાર કિલો મંચુરિયન, એક કિલો વાસી ભાત તેમજ ફૂગ લાગેલા લીંબુ અને ડુંગળીનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે શ્રીયાંશ ફાસ્ટફૂડમાંથી એક કિલો નૂડલ્સ, એક કિલો વાસી બટાકા અને ચટણીનો સ્થળ પર જ નાશ કરાયો હતો.
ઉમા ટાઉનશીપ સામે આવેલી કુળદેવી ફાસ્ટફૂડમાંથી ત્રણ કિલો નૂડલ્સ, બે કિલો ભાત અને ચાર કિલો મંચુરિયનનો નાશ કરવામાં આવ્યો હતો.મહાનગર પાલિકાની ફૂડ શાખાની ટીમે સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે 28 કિલો અખાદ્ય અને વાસી ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કર્યો હતો. ઉપરાંત જ્યાં ફૂડ લાઇસન્સ ન હતું અથવા અનહાઈજેનિક સ્થિતિ જોવા મળી હતી તેવી તમામ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે.






