ગાંડુભાઈ મીઠાઈમાં જાળાં અને વિપુલ સ્વીટ્સમાં ગાંઠિયાના લોટ પર માખીઓ જોવા મળી; ખરાબ તેલનો નાશ કરી દુકાનદારોને નોટિસ ફટકારાઈ.
તહેવારોને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગે મીઠાઈ, ફરસાણ અને નાસ્તાની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કેટલીક દુકાનોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. વિપુલ સ્વીટ્સમાંથી ખરાબ તેલનો નાશ કરી દુકાનદારો સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીમાં તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી મોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરની મીઠાઈ, ફરસાણ અને નાસ્તાની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભેળસેળ, સ્વચ્છતા અને રસોડામાં રાખવાની જરૂરી તકેદારીઓ અંગે તપાસ કરાઈ હતી.
તપાસ દરમિયાન મહાવીર સ્વીટ, વિપુલ સ્વીટ્સ અને ગાંડુભાઈ મીઠાઈવાળા સહિતની દુકાનોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. ગાંડુભાઈ મીઠાઈમાં મીઠાઈ બનાવવાના સ્થળે કરોળિયાનાં જાળાં જોવા મળ્યાં હતાં, જ્યારે વિપુલ સ્વીટ્સમાં બહાર રાખેલા ગાંઠિયાના લોટ પર માખીઓ જોવા મળી હતી.
આ ઉપરાંત, વિપુલ સ્વીટ્સમાંથી મળી આવેલા ખરાબ તેલનો નાશ કરવામાં આવ્યો હતો. સંબંધિત દુકાનદારોને નોટિસ આપી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મીઠાઈની દુકાનોમાં વપરાતા રંગોના સેમ્પલ લેવા માટે જીલ્લા ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવશે.
આ અંગે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર વર્ષદીપ રાવલે જણાવ્યું હતું કે તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.






