મોરબી મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલકતવેરાની ઓનલાઈન ભરપાઈ પર ૧૨ ટકા અને ઓફલાઈન ભરપાઈ પર ૧૦ ટકા રીબેટની યોજના અમલમાં મૂકી છે. અત્યાર સુધી ૧૧,૪૯૪ મિલકતધારકોએ યોજનાનો લાભ લીધો છે. વધારાના ૨ ટકા ઓનલાઈન રીબેટ મેળવવા માટે હવે માત્ર ૧૦ દિવસ બાકી હોવાથી મહાનગરપાલિકાએ નાગરિકોને સમયસર ટેક્સ ભરવા અપીલ કરી છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલકતવેરા અને વ્યવસાયવેરાની વસૂલાત અંતર્ગત વિશેષ રીબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. યોજના મુજબ બાકી વેરાની રકમ ઓફિસમાં ભરીને ચાલુ વર્ષના મિલકતવેરા પર ૧૦ ટકા રીબેટ મેળવી શકાય છે, જ્યારે મહાનગરપાલિકાની વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશન મારફતે ઓનલાઈન ટેક્સ ભરનારને ૧૨ ટકા રીબેટનો લાભ આપવામાં આવે છે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ અત્યાર સુધી ૧૧,૪૯૪ મિલકતધારકોએ ઓનલાઈન ટેક્સ ભરપાઈ કરીને યોજનાનો લાભ મેળવ્યો છે. વધારાના ૨ ટકા ઓનલાઈન રીબેટ મેળવવા માટે હવે માત્ર ૧૦ દિવસનો સમય બાકી હોવાથી વધુમાં વધુ નાગરિકો આ યોજનાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.
ટેક્સ ભરપાઈ માટે મહાનગરપાલિકા કચેરીમાં સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી તેમજ શહેરની ૧૧ વોર્ડ ઓફિસોમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત મહાનગરપાલિકાની વેબસાઈટ તથા ‘Morbi Municipal Corporation’ મોબાઈલ એપ્લિકેશન મારફતે મિલકત નંબર દાખલ કરીને પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાયવેરાની ઓનલાઈન ભરપાઈ સરળતાથી કરી શકાય છે. ટેક્સ શાખાના અધ્યક્ષે મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો અને ભોગવટેદારોને સમયસર વેરો ભરી વધારાના ૨ ટકા રીબેટનો લાભ લેવા અપીલ કરી છે.






