મોરબીમાં ટ્રાન્સપોર્ટરો વચ્ચેના જુના હિસાબની લેતીદેતીના ડખ્ખાંમાં મોરબીથી અલ્હાબાદ મોકલાવેલો ટાઇલ્સનો જથ્થો ડખ્ખે ચડ્યો હતો. જેમાં મોરબીના ટ્રાન્સપોર્ટરે ટાઇલ્સનો જથ્થો ભરીને અલ્હાબાદ મોકલાવેલો ટ્રકને ચાલક અને તેના માલીકે રાજસ્થાન પહોંચાડી દઈને છેતરપીંડી આચરી હતી. આ બનાવમાં તાલુકા પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલકને ઝડપી લીધો હતો. જ્યારે રૂ. 2.70 લાખની છેતરપીંડી કરવાના ગુનામાં હજુ ટ્રક માલિક પોલીસની પકડથી દુર છે.
મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક આવેલ સીરામીક સીટીમાં રહીને ટ્રાન્સપોર્ટનું કામ કરતા મનોજકુમાર પ્યારેલાલા ચૌધરીએ ગત તા.13 જાન્યુઆરીના રોજ મોરબીની એક સીરામીક ફેકટરીમાંથી રૂ. 2,70,498 કિંમતની 3265 સીરામીક ટાઇલ્સની પેટીનો માલ રાજસ્થાનના ટ્રક ચાલક ધોલુંરામ બાબુલાલ ગુજ્જરના ટ્રકમાં ભરી અલ્હાબાદ મોકલ્યો હતો. પરતું ટ્રક ચાલક ધોલુંરામ બાબુલાલ ગુજ્જરે પોતાના ટ્રક માલિક હરિ ભજન ગુજ્જરના કહેવાથી આ સીરામીક ટાઇલ્સ ભરેલો ટ્રક અલ્હાબાદને બદલે રાજસ્થાન પહોંચાડી દીધો હતો. બાદમાં આ બન્ને આરોપીઓએ જૂનો હિસાબ મળે પછી જ આ ટ્રક અલ્હાબાદ બાદ પહોંચડીશું તેવી ધમકી આપીને ટ્રકને રાજસ્થાન રોકી રાખ્યો હતો. આથી, મોરબીના ટ્રાન્સપોર્ટર મનોજકુમાર પ્યારેલાલા ચૌધરીએ આ બન્ને આરોપીઓ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ ટ્રક ચાલક ધોલુંરામ બાબુલાલ ગુજ્જરને ઝડપી લીધો હતો અને ટ્રક માલિકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.