મોરબી : કોરોના કાળમાં દિવસ રાત જોયા વગર કામગીરી કરનાર લોકશાહીના ચોથી જાગીર એવા પત્રકારોને કોરાના ફ્રન્ટલાઈન વોરિયર્સ ગણી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ખાસ કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જેમાં આજે મોરબીના 30થી વધુ મીડિયાકર્મીઓએ કોરોના રસી મુકાવી હતી.
મોરબી સિવિલ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગે માહિતી ખાતા સાથે સંકલન કરી મોરબીના પત્રકારો માટે આજે શુક્રવારે રસીકરણ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ડૉ. સરડવા, માહિતી ખાતાના ભરતભાઇ ફુલતરીયા સહિતના સંબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહી રસીકરણ કરાવ્યું હતું. મોરબી શહેરના 30થી વધુ મીડિયાકર્મીઓએ કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં આ વેકસિનેશનની પ્રક્રિયામાં ભાગ લઈ 45 વર્ષથી ઉપરના એલિજીબલ નાગરિકોને રસી મુકાવવાની અપીલ કરી હતી.