મોરબીના ઘુંટુ ગામની રામકો વિલેજ સોસાયટીમાં ફટાકડા ફોડવાના મામલે પાડોશી પરિવારમાં થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. પોલીસે સામસામી ફરિયાદના આધારે ત્રણ મહિલા સહિત કુલ સાત સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના ઘુંટુ ગામે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલા વિવાદમાં લક્ષ્મીબેન આશિષભાઈ રામચંદ્રભાઈ શ્રીવાસ્તવ ઉવ.૩૪ રહે. ઘુટુ રોડ ગામે રામકો વીલેજ સોસાયટી તા.જી મોરબી મુળ રહે.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાની ફરિયાદ મુજબ આરોપી ભક્તિબેન હઠીસિંહ, ગીતાબેન, હઠીસિંહ, સિવરાજ ભાટી, દીલુભા અને શક્તિ દીલુભાએ ગાળો આપી ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની તથા હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હોવા અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામેપક્ષે ભકતીબા હઠીસીંહ પ્રભુભા પઢીયાર ઉવ.૩૦ રહે. ઘુટુ ગામ રામકો વીલેજ સોસાયટી તા.જી મોરબી મુળ રહે.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાએ લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફટાકડા ફોડવા બાબતે થયેલ બોલાચાલીના સમાધાન માટે ગયા ત્યારે આરોપી લક્ષ્મીબેને લાકડી વડે ભક્તિબાના માથામાં તથા ગીતાબેનના હાથમાં માર મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. હાલ બંને પક્ષની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે કુલ સાત શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






