ભલગામ પેટ્રોલપંપ કર્મચારી રોડ ક્રોસ કરતા હોય ત્યારે ડમ્પરે ઠોકરે ચડાવતા સારવાર દરમિયાન મોત, ચાલક ડમ્પર સાથે ફરાર.
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભલગામ પેટ્રોલપંપ કર્મચારી રોડ ક્રોસ કરી રહ્યા હોય તે દરમિયાન રોંગ સાઈડમાં પુરઝડપે આવેલા ડમ્પરે તેઓને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે ઇજાગ્રસ્તનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હિટ એન્ડ રનના બનાવમાં મૃતકના ભાઈની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વાંકાનેર બાઉન્ડ્રી નજીક રાજકોટ હાઇવે ઉપર ભલગામ પેટ્રોલપંપ ખાતે નોકરી કરતા દિનેશભાઈ બીજલભાઈ બથવાર ઉવ.૪૫ રહે. ડોસલીધુના તા. ચોટીલા વાળા ગત તા.૨૨/૦૯ના રોજ બપોરે પેટ્રોલપંપ સામે રોડ ક્રોસ કરી બાથરૂમ કરવા ગયા હતા. પરત ફરતી વખતે ડમ્પર રજી. નં. જીજે-૧૦-ટીવાય-૮૪૮૪ના ચાલકે રોંગ સાઈડમાં પુરઝડપે અને બેદરકારીપૂર્વક ડમ્પર ચલાવી તેમને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં દીનેશભાઈને માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ થતાં પ્રથમ ચોટીલા અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. દરમિયાન ગત તા.૨૮/૦૯ની રાત્રે સારવાર દરમિયાન દિનેશભાઈનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. હાલ મૃતક દીનેશભાઈના મોટાભાઈ ભીખાભાઇની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા એમવી એક્ટ હેઠળ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






