મોરબીના રઘુવંશી સમાજ દ્વારા સમાજના કોરોનાગ્રસ્ત લોકોને કોરેનાની સઘન સારવાર મળી રહે તે માટે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે કોરોના આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને દર્દીઓને મનમાંથી રોગનો ડર દૂર કરવામાં આવે અને એને પ્રફુલ્લિત રાખવા માટેના સકારાત્મક પ્રયાસો કરાઈ તો દર્દીઓ ઝડપથી સજા થઈ જતા હોય છે ત્યારે આ કોવિડ સેન્ટર ચલાવતી સંસ્થા દ્વારા દર્દીઓના મનમાંથી કોરોનાનો ડર દૂર કરવા માટે હાસ્ય સહિતના કાર્યક્રમો યોજીને દર્દીઓને પ્રફુલ્લિત રાખવાના હકારાત્મક પ્રયાસો થાય છે. દરમ્યાન આ કોવિડ સેન્ટરમાં ઘણા દિવસોથી સારવાર લઈ રહેલા મહિલા દર્દી આજે સ્વસ્થ થયા હતા સાથેસાથે આજે એમનો જન્મદિવસ પણ હોય આથી, સંસ્થાએ કેક કાપીને મહિલા દર્દીનો જન્મદિવસ રંગેચંગે ઉજવ્યો હતો. આ જન્મદિવસની ઉજવણી એ રીતે કરી હતી કે આ સ્થળ દર્દીઓના સારવાર માટેનું ભારેખમ કેન્દ્ર ન લાગે અને પાર્ટી જેવું જ સ્થળ લાગે એ રીતે જન્મદિવસ ઉજવીને સ્વસ્થ થયેલા આ મહિલા દર્દીને માનભેર સેન્ટરમાંથી વિદાય આપવામાં આવી હતી.