સંવેદના દિને કોરોના કાળમાં અનાથ થયેલ બાળકોને સહાય ચૂકવાઇ
ગુજરાત સરકાર નોધારાનો આધાર બની છે – મંત્રી જયેશ રાદડીયા
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાગરિકોને રાજ્યની સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના બીજા દિવસે સંવેદના દિવસ અંતર્ગત મોરબી એપીએમસી ખાતે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો, કુટીર ઉદ્યોગના મંત્રી જયેશ રાદડીયાના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંવેદના દિવસ અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમમાં મંત્રી જયેશ રાદડીયાએ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પાંચ વર્ષમાં જે કામગીરી કરી છે તેની આ ઉજવણી નહીં પરંતુ સેવાયજ્ઞ છે. લોકાભિમુખ અને પ્રજાભિમુખ સરકારે કોરોનાકાળમાં સંવદેનશીલ નિર્ણયો કરી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ૪૦૦૦ તેમજ ૨૦૦૦ની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં આ બાળકો ૨૧ વર્ષના થાય ત્યાં સુધી સહાય ચૂકવવાના નિર્ણયને ઐતિહાસીક ગણાવ્યો હતો અને જે બાળકોના માતા-પિતા કે સ્વજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકાર નોધારાનો આધાર બની હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની નેતૃત્વવાળી સરકારમાં હવે ગ્રામ્ય કક્ષાએ સરકારની તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે પ્રકારે આયોજન કરી સરકાર આપના દ્વારે આવી છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના લાખો લોકો મા-અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ થકી નિઃશુલ્ક સારવાર લઇ રહ્યા છે. આ તકે મંત્રીએ ઉપસ્થિત લાભાર્થીઓને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઇ વિકાસ કાર્યોમાં સહભાગી થવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોને સહાય કિટોનું પણ વિતરણ અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં એક વાલી ગુમાવનાર ૨૫૯ બાળકોને માતા-પિતા બન્ને ગુમાવનાર ૧૫ બાળકો એમ કુલે ૨૭૪ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત મોરબી એપીએમસી ખાતે રાજ્ય સરકારની ૫૭ જેટલી સેવાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે મળી રહે તે માટે વિવિધ વિભાગો દ્વારા અધિકારીઓએ સ્થળ પર હાજર રહીને લાભાર્થીઓને અનેકવિધ લાભો આપ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે મોરબી પ્રાન્ત અધિકારી ડી.એ. ઝાલા દ્વારા સ્વાગત પ્રવચન, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ એપીએમસીના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયાએ પ્રસંગોચિત્ત ઉદ્દબોધનો તેમજ કાર્યક્રમના અંતે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. મંત્રી જયેશ રાદડીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, એપીએમસીના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી જયુભા જાડેજા, શહેર ભાજપ સંગઠન પ્રમુખ લાખાભાઇ જારીયા, અધિક કલેક્ટર એન.કે.મુછાર, મોરબી પ્રાન્ત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયા, જિલ્લા બાળ અને મહિલા અધિકારી વિપુલભાઈ શેરશીયા, મામલતદાર જી.એચ. રૂપાપરા, નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.